તાપી જિલ્લાકક્ષાના રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટીસશિપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો : 107 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
જિલ્લાના 660 યુવાનોને રોજગાર નિમણૂંક અને 227 એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા
………………………
“યુવાન એટલે ધાર્યું મેળવવાની ક્ષમતા જેનામાં હોય તે”:-જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
………………………
માહિતી બ્યુરોઃ તાપી તા.26: તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્યામા પ્રસાદ ટાઉન હોલ,વ્યારા ખાતે જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ જણાવ્યું હતું કે, યુવાન એટલે ધાર્યું મેળવવાની ક્ષમતા જેનામાં હોય તે. વર્તમાન સરકાર તમામ યુવાનો, મહિલાઓને યોગ્ય રોજગાર અપાવવા કટીબધ્ધ છે. તેમણે તાપી જિલ્લાના આંક રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં 10,428 યુવાનોને 131 થી વધુ ભરતી મેળા યોજી રોજગાર અપાવ્યો છે. રોજગાર સેતુ પ્રોજેક્ટ અંતર્ગત 254 યુવાનોને રોજગારનો લાભ મળ્યો છે. તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની સરકારની સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં બેરોજગારીનો દર સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે શરૂ કરવામાં આવેલી ટ્રાઇબલ યુનિવર્સીટી, એકલવ્ય મોડેલ સ્કુલ સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી દેશની અવિરત વિકસ ગાથામાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એટલું વિકસીત છે કે અન્ય રાજ્યો માંથી લોકો ગુજરાતમાં રોજગારી મેળવવા આવે છે. તેમણે કોઇ પણ કામને પુરેપુરી જવાબદારે પૂર્વક નિભાવવાથી સફળતાના શિખરો સર કરી શકાય અને પોતાનું નામ બનાવી શકાય છે એમ સલાહ આપી હતી. વધુમાં તેમણે રોજગારી મેળવવા તમામ લોકોએ કોઇ ને કોઇ પ્રકારે શ્રમ કરવો પડે છે એમ કહી પોતાના ધ્યેય પ્રાપ્તિમાં અડગ રહેવા સૌને ટકોર કરી હતી.
સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં ખુબ જ ઉત્સાહિ, તેજસ્વી અને મહેનતુ યુવાનો છે. તેમણે યુવાનોને યોગ્ય જાણકારીના અભાવે પાછળ ન રહી જવા આહવન કરતા ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જેનામાં નોંધણી કરાવવાથી રોજગાર કચેરીના મધ્યમથી રોજગારલક્ષી તમામ માહિતી મેળવી શકો છો. તેમણે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આ વર્ષના રોજગાર કચેરી દ્વારા રોજગાર અપાવવાના લક્ષ્યાંક કૂલ-500ની સામે 21 જેટલા રોજગાર મેળાઓ કરી 660 ઉમેદવારોને રોજગાર અપાવવામાં આવ્યા છે. તથા 227ને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સામેલ કરવા માટે રોજગાર કચેરીના અધિકાર-કર્મચારીઓની કામગીરીને બીરદાવ્યા હતા. આ સાથે તેમણે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા સાથે મળી જિલ્લામાં સ્પીપાનું કેન્દ્ર ફરી કાર્યરત કરાવવા કરેલ દરખાસ્ત અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે તાપી જિલ્લામાંથી જી.પી.એસ.સી પરીક્ષા પાસ કરી આરટીઓ ઓફિસર બનેલા અલ્પેશ ગામીત, એઆરટીઓ બનેલા ધવલ ગામીત અને હેમંત વસાવાને નિમણૂક અને સન્માન પત્રો આપી બીરદાવવામાં આવ્યા હતા. આ સાથે રોજગાર ભરતી મેળામાં જોબ મેળવેલા કૂલ-660 ઉમેદવારો માંથી 10 ઉમેદવારો અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના કૂલ-227 માંથી 10 ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે આજે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં 7 જેટલા રોજગાર દાતાઓ દ્વારા 100થી વધુ ખાલી જગ્યાઓ માટે 800થી વધુ ઉમેદવારો પૈકી 107 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ન.પા.પ્રમુખશ્રી સેજલ રાણા, રોજગાર અધિકારીશ્રી વિનોદ ભોયે કરીયર કાઉન્સીલર વિનોદ મરાઠે, અને વિરલ ચૌધરી, નિકુંજભાઇ સહિત રોજગાર વાંચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા અને આભાર દર્શન રોજગાર અધિકારીશ્રી વિનોદ ભોય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે રોજગાર કચેરીના અધિકારી/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
000000000000000