જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધ્યયન અને અધ્યાપન પરસ્પર જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાનાં શાસ્ત્રીય અભ્યાસને પેડાગોજી કે અધ્યાપનશાસ્ત્ર કહે છે. જેનાં ભાગરૂપે શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન, અધ્યયન નિષ્પતિ આધારિત પ્રશ્નબેંકની રચના તથા ઇનોવેટિવ પાઠ આધારિત વીડિયોને અપલોડ કરવા સંદર્ભે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા બેદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર તાલીમ વર્ગમાં સુરત જિલ્લા સહિત સુરત શહેરનાં તમામ સી.આર.સી. તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટરોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા પેડાગોજીની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી હતી. જેની વિશેષ સમજ માટે વિવિધ વિષયોનાં એકમો પર ખૂબ જ સુંદર રીતે પાઠ નિદર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપકભાઈ દરજીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.