ઓલપાડ બ્રાન્ચ શાળામાં બાળકોને રામ ક્લિનિકનાં ડૉ.ભાવેશ પટેલ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાધ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને સાચું શ્રદ્ધા સુમન અર્પણ કરવાનાં ભાવ સાથે ઓલપાડ નગરની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
ઓલપાડ નગરમાં રામ ક્લિનિક ધરાવતાં ડૉ.ભાવેશ પટેલ તથા ડૉ.નેહા પટેલ તરફથી તેમનાં પિતાશ્રી સ્વ. કાંતિભાઈ પટેલ (નાયબ મામલતદાર) ની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વર્ગસ્થનાં ધર્મપત્ની અને સ્થાનિક શાળાનાં નિવૃત્ત આચાર્યા એવાં નીતાબેન પટેલ સહિત અશોક પટેલ, મહેશ પટેલ તથા રીટા પટેલે ઉપસ્થિત રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું.
સદર શાળાનાં આચાર્ય રાજેશ પટેલે શાળાનાં બાળકો તેમજ સ્ટાફગણ વતી સ્વ.કાંતિભાઈ પટેલને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી તિથિ ભોજન બદલ તેમનાં પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.