તાપી જિલ્લામાં આગામી 27 થી 30 સપ્ટેમ્બર સુધી 109 ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 269 આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
*109 ગામોમાં નવનિર્મિત આવાસોમાં પ્રવેશ એક ઉત્સવ તરીકે જિલ્લામાં યોજાઇ: ડી.ડી.ઓ ડી.ડી.કાપડીયા
………………………
આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે આવાસ યોજના હેઠળ ગુજરાતના ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત:
………………………
(માહિતી બ્યુરોઃ તાપી) તા.24: આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે તાપી જિલ્લામાં કૂલ-109 ગામોમાં વિવિધ લાભાર્થીઓ કૂલ-269 નવનિર્મિત આવાસમા પ્રવેશ મેળવશે. આ સાથે તા.30મીએ ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવશે. આ ઉપરાંત 109 ગામો સહિત સમગ્ર તાપી જિલ્લામાં આગામી તા. ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સામુહિક સફાઇ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી, સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યકમો યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને અને ગ્રામ વિકાસ નિયાકમશ્રી અશોક ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ એક ઉત્સવ તરીકે જિલ્લામાં યોજાય તેવો માહોલ તૈયાર કરવો જેથી નવનિર્મિત આવાસમાં પ્રવેશ મેળવતા તમામ લાભાર્થીઓ માટે આ પળ યાદગાર બની રહે. તેમણે શાળાઓમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજવા, મહિલાઓ માટે આંગણવાડી ખાતે વાનગી સ્પર્ધા યોજવા અને આરોગ્ય વિભાગને ગ્રામ્ય સ્તરે મેડીકલ કેમ્પ અને પીએમજય કાર્ડના કેમ્પનું આયોજન તથા પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ યોજી ગ્રામજનોને જાગૃત કરવા સહિત કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
ડી.આર.ડી.એ. ડાયરેક્ટરશ્રી અશોક ચૌધરીએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૭ થી ૨૯ દરમ્યાન સ્વચ્છતા રેલી, સફાઈ ઝુંબેશ, શાળા, પંચાયત ઘર, આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોએ સફાઈતેમજ સુશોભન કરવામાં અંગે, આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ ઘરોને સુશોભિત કરવામાં અંગે તથા ઘર પાસે રંગોળી, ડેકોરેશન, વારલી પેઇન્ટીંગ કરવામાં અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આ સાથે તા. ૩૦ મી ના રોજ આરોગ્ય તપાસણી, વેક્સિનેશન કેમ્પ, વાનગી સ્પર્ધા, પ્રાકૃતિક ખેતી વિષયક સંવાદ, રંગોળી, સુશોભન સહીતના કાર્યક્રમો હાથ ધરાવા વિવિધ વિભાગોને જાણકારી આપી હતી. ઉપરાંત તા.૩૦ મી ના રોજ પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ ગ્રામજનો લાઈવ નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા દરેક ગામમાં વ્યવસ્થા ઉભી કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, શિક્ષણ વિભાગના હર્ષાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000