સોનગઢ તાલુકા ખાતે બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ 13 ગાય અને 3 ભેંસ વિતરણ કરાયા
બોર્ડર વિલેજ વિકાસ યોજના TSP કચેરી સોનગઢ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે સોનગઢ, ઉચ્છલ, નિઝર, અને કુકરમુંડાના કૂલ- 400 જેટલા પશુપાલકોને આવરી લેવાયા
………………………
માહિતી બ્યુરોઃ તાપી તા.23: રાજ્યસરકાર દ્વારા પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” કાર્યરત છે. જે અંતર્ગત આજે TSP કચેરી સોનગઢ અને જિલ્લા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે સોનગઢ તાલુકાના પશુ દવાખાના કેમ્પસ ખાતે 16 જેટલા દુધાળા પશુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી બી.એ.શાહ અને યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.એ.વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં લાભાર્થીઓને પશુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” કાર્યરત છે. જે અંતર્ગત બોર્ડરના જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાના તાલુકાઓમાંથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 90 ટકાની સહાય સાથે પશુઓ વિતરણ કરવામાં આવે છે. તાપી જિલ્લામાં આ વર્ષે સોનગઢના 120 લાભાર્થીઓ, ઉચ્છલના 120, નિઝરના 80 અને કુકરમુંડાના 80 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી આજે 16 લાભાર્થીઓને ગાય અને ભેંસનું વિતરણ કરવામાં આવ્યું છે. એક પશુનો 60 હજાર યુનિટ ખર્ચ નાબાર્ડ દ્વારા નક્કિ કરવામાં આવેલ છે. જે અનુસાર 54 હજારની સહાય રાજ્ય સરકારે અને 6 હજાર લોક ફાળો લાભાર્થી આપે છે. આ ઉપરાંત પશુઓના વિતરણ પહેલા લાભાર્થી પોતે જે-તે વેપારી પાસેથી પશુને પસંદ કરે છે. જેને વિતરણ કરવા પહેલા પશુ પાલન વિભાગની ખરીદ કમીટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. આ સાથે પશુચિકિત્સક અને ટીમ દ્વારા પશુનું દૂધ, સ્વાસ્થ્ય, ઉંમર જેવા વિવિધ પાસાઓની ચકાસણી કરી સંપુર્ણ પણે તંદુરસ્ત પશુને જ લાભાર્થીને આપવામાં આવે છે.
આજરોજ સોનગઢ ખાતે થયેલ વિતરણ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર દ્વારા લાભાર્થીઓ સાથે મુલાકાત લઇ પશુઓ સંબંધી વાતચીત લાભાર્થી સાથે કરવામાં આવી હતી. જેમાં તેઓએ લાભાર્થીઓને મળેલ લાભનો યોગ્ય રીતે ફાયદો લઇ આર્થીક રીતે સધ્ધર થવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત તેમણે પશુઓની યોગ્ય કાળજી લઇ તેની માવજત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સમયાંતરે જે-તે લાભાર્થીની મુલાકાત લઇ સ્થળ તપાસ કરવા અંગે તાકીદ કરી હતી.
આ પ્રસંગે સોનગઢ તાલુકાના ગામના લાભાર્થી અશ્વીનભાઇ ગામીતે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, “બોર્ડર વિલેજ વિકાસ યોજના” માં ભેંસ લેવા માટે અરજી કરી હતી. જેના માટે મે 6 હજાર ભર્યા હતા. આજે મે મારી પસંદગીની ભેંસ મેળવી છે. મેં પહેલી વાર ભેંસ લીધી છે. હું તેની સારી સંભાળ રાખીશ અને દૂધના વેચાણ દ્વારા મારા પરિવારનું પાલન કરીશ અને મારૂ જીવન ધોરણ ઉપર લાવવાનો પ્રયત્ન કરીશ.
*બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ આજે રાસમાટી ગામમાં 2 ભેંસ, ગાયસાવર ગામે-4 ગાય, નાનાતારપાડા-1 ગાય, ચાપલધાવ-3 ગાય, ચાપાવાડી 1-ભેંસ, બાલ અમરાઇ-2 ગાય, મેઢા-2 ગાય અને કણજી ખાતે 1 ગાય મળી 13 ગાય અને 3 ભેંસનું વિતરણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કરવામાં આવેલ છે.*
આ પ્રસંગે સોનગઢ પશુ ચિકિત્સકશ્રી એચ.બી.પટેલ, પશુધન નિરીક્ષકશ્રી કે.સી.ચૌધરી, ટીએસપીના મદદનીશ પશુપાલન અધિકારી ડૉ.રાઠોડ, ગ્રામ દૂધ મંડળીના સભ્યો તથા લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000