એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ મોટામિયાં માંગરોલ મુકામે 36 મી નેશનલ ગેમ્સનો શુભારંભ
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ દ્વારા રીબીન કાપી રાષ્ટ્રીય રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ અને એસ.પી.મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલમાં 36 મી નેશનલ ગેમ્સ-2022 ની ઉજવણીનાં ભાગરૂપે બાળકો રમતોનું મહત્વ સમજે તેમજ તેમનામાં ખેલભાવના વિકસે તે હેતુથી કેરમ, ચેસબોર્ડ, લુડો, લખોટી, નવો વેપાર, સિક્કા શોધ, રાજા-રાણી, ચોર-સિપાઈ, યોગાસન, અંતાક્ષરી, ક્વીઝ, કબડ્ડી, ખો-ખો, દોડ, વોલીબોલ, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, બરછીફેંક, ગોળાફેંક વગેરે જેવી વિવિધ ઈનડોર-આઉટડોર રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ તિલાવતે કુરાને પાકથી શરૂ કરાયો હતો. એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્વાગતગીત અને મહેમાનોનું પૂષ્પગુચ્છથી સ્વાગત એસ.પી.મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ કર્યું હતું. આભારવિધિ એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલનાં આચાર્યએ આટોપી હતી.
રાષ્ટ્રગીતનાં ગાન બાદ સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી જનાબ ઈસ્માઈલભાઈ પટેલ દ્વારા રીબીન કાપી રાષ્ટ્રીય રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં બંને શાળાનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટનાં જોઈન્ટ સેક્રેટરી જનાબ ઈબ્રાહીમભાઈ મેમાન , મહંમદભાઈ રાવત,અસ્લમભાઈ મેમાન, ઈસ્માઈલભાઈ રાવત (તાડવાલા), માજી શિક્ષક હરેન્દ્રસિંહ ગોહિલ તેમજ શાળા પરિવારનાં આચાર્યશ્રીઓ અને સ્ટાફમિત્રો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાનાં શિક્ષક રિયાઝુદ્દીન પટેલ સા. એ સમગ્ર સ્ટાફ મિત્રોનાં સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.