વાંકલ પ્રાથમિક શાળા ખાતે માંગરોળ તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરત દ્વારા આયોજિત સુરત ગ્રામ્ય તાલુકા કક્ષાનો કલા મહાકુંભ અને યુવા ઉત્સવ માંગરોળ તાલુકાની વાંકલ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
તાલુકા કક્ષાની આ લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહગીત, ચિત્રકલા, વક્તૃત્વ, નિબંધ, તબલાવાદન, હાર્મોનિયમ, એક પાત્રીય અભિનય, હળવું કંઠ્ય સંગીત, લગ્ન ગીત, સુગમ સંગીત જેવી સ્પર્ધાઓમાં માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓનાં લગભગ 550 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને પ્રોત્સાહિત કરવા પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ ઉમરપાડા વિધાનસભાનાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી દિપકભાઈ વસાવા, તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સીસોદીયા, મામલતદાર એ.સી.વસાવા, તૃપ્તિબેન મૈસુરીયા, ડૉ. યુવરાજસિંહ સોનારીયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ તથા તાલુકા અને જિલ્લા પંચાયતનાં સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય કલા મહોત્સવનાં આયોજન થકી બાળકોમાં રહેલી પ્રતિભા ખીલે છે તેથી આવા બાળકો આગળ જતાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. કાર્યક્રમને સફળ બનાવવા માંગરોલ તાલુકાની શિક્ષણ પરિવારની ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other