10 દિવસમાં સુરતીઓ 500 કરોડથી વધુનો ખર્ચ કરશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; આ વર્ષે વિધ્નહર્તાના સ્વાગતમાં સુરતના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવની શરૂઆત કાલથી થશે પરંતુ છેલ્લા 7 દિવસથી માર્ગો ઢોલ, ડીજે અને લાઈવ ઓર્કેસ્ટ્રા-ફટાકડાથી ગુંજી રહ્યા છે. કોરોનાએ અઢી વર્ષથી બ્રેક લગાવી હોવાથી ભક્તો જાણે આ કાર્યને એક જ વારમાં પૂર્ણ કરી રહ્યા છે. આગમન યાત્રાઓની લંબાઈ બમણી થઈ ગઈ છે. મંડળો-સોસાયટીઓએ ભવ્ય પંડાલોમાં રોશની પ્રગટાવવામાં કોઈ કસર છોડી નથી. રશિયન કલાકારો પરફોર્મ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ‘આ વખતે 80 હજારથી વધુ પ્રતિમા સ્થાપિત થશે, જે પહેલાં 70 હજાર હતી. પાલિકાએ વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા અને કદ વધાર્યા છે. બાપ્પા છે ત્યાં લક્ષ્મીજીની કૃપા હંમેશા વરસતી રહે છે. જેમાં ફુગાવા-મંદીગ્રસ્ત ફૂલવાળા, ઢોલ, ડીજે, ટેન્ટ-લાઇટિંગ, કેટરર, મીઠાઈ જેવા તમામ ક્ષેત્રોને 500 કરોડ જેટલો બૂસ્ટર ડોઝ મળશે.