સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મહુવાની અનાવલ પ્રાથમિક શાળામાં યોજાઈ
સંગઠનમાં વ્યક્તિગત સ્વાર્થ નહિ પરંતુ સામુહિક હિત હોવું જોઈએ : કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં મહુવા તાલુકાની અનાવલ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, પ્રફુલભાઇ પટેલ, એરિકભાઈ ખ્રિસ્તી, દિનેશભાઈ ભટ્ટ, ઇમરાનખાન પઠાણ, ચેતનભાઈ પ્રજાપતિ, દિનેશભાઇ સોલંકી, રીના રોઝલીન, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તમામ ઘટક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાગત પ્રવચન મહુવાનાં પ્રમુખ બિપિનભાઈ પટેલે કર્યુ હતું. પ્રાર્થના તેમજ સ્વાગતગીત અનાવલ પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કર્યા હતાં. આ તબક્કે ઉમરપાડા તાલુકા સંઘનાં માજી પ્રમુખ રામસીંગભાઈ વસાવા ઉપરાંત અવસાન પામેલ અન્ય શિક્ષકોનાં આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
ગત સભાનું પ્રોસિડીંગ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબ નીચે મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ઉચ્ચતર પગાર ધોરણ બાબત તથા એરિયર્સ ચૂકવણા બાબત, જૂની પેન્શન યોજનાનાં આગામી કાર્યક્રમ બાબત, સંગઠનનાં શતાબ્દી વર્ષની ઉજવણી બાબત, નિવૃત્તિ સામે પૂરા પગારમાં સમાવવાનાં ૨૦૧૦ નાં વિદ્યાસહાયકોનાં કેસ બાબત. પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે ઉચ્ચતર પગાર ધોરણ તથા તેનાં એરિયર્સ બાબતે તેમજ આગામી તારીખ – ૩/૯/૨૦૨૨ નાં રોજ બારડોલી મુકામે જૂની પેન્શન યોજના શરૂ કરવા સંદર્ભે યોજાનાર રેલી બાબતે ચર્ચા હાથ ધરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિસિંહ પરમારે કર્યું હતું. સભામાં જરૂરી સુવિધા અનાવલ પ્રાથમિક શાળાનાં ધીરુભાઈ પટેલે પૂરી પાડી હતી. અંતમાં આભારવિધિ દિનેશભાઈએ આટોપી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.