મહિલા પોલીસકર્મીની સતર્કતાથી 5 વર્ષની બાળકી પીંખાતા બચી, દુષ્કર્મ પહેલા જ નરાધમને દબોચ્યો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -કોર્ટથી ઘરે જતાં સમયે સચિન GIDCની મહિલા લોકરક્ષકની નજર પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ પાસે ઝાડી ઝાંખરા પાસે પડતા ત્યાં એક યુવક એક 5 વર્ષીય બાળકી સાથે અડપલા કરતા નજરે પડ્યો હતો. મહિલા લોકરક્ષકે ત્યાં પહોંચી યુવકની પૂછપરછ કરતાં બાળકી સાથે અઘટિત ઘટના અટકાવી હતી. પાંડેસરા પોલીસે નરાધમને પકડી પાડી બાળકીની માતાની ફરિયાદના આધારે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પાંડેસરામાં રહેતી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતો અને 2 સંતાનનો પિતા 45 વર્ષીય પ્રમોદસિંગ બાઇક પર ફરવા લઈ જવાને બહાને પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ નજીક ઝાડી પાસે લઇ ગયો હતો. ત્યાં આ પ્રમોદસિંગ બાળકી સાથે અડપલા કરતો હતો ત્યારે મહિલા પોલીસકર્મીની તેની બહેન સાથે મોપેડ પર જતી વખતે નજર પડતા ત્યાં ગઈ હતી. મહિલા પોલીસે પૂછપરછ કરતાં નરાધમનો બદઇરાદો સામે આવતા કંટ્રોલને જાણ કરતાં પાંડેસરા પોલીસને બોલાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
હું સચિન GIDC પોલીસ મથકેથી મહિલા કેદીપાર્ટીને રિક્ષામાં કોર્ટમાં લાવી હતી. સાંજે 5 વાગ્યે કોર્ટમાંથી મહિલાઓના જામીન થયા હતા. આથી હું મારી પિતરાઈ બહેન સાથે મોપેડ પર બેસી સચિન પારડી ખાતે ઘર આવવા માટે નીકળી હતી. આમ તો અમે હાઇવેથી સીધા જઈ છીએ પરંતુ ગુરુવારે સાંજે કદાચ જાણે ભગવાને જ મને બાળકીને બચાવવા માટે મોકલી હોય તેમ અમે બુડિયા ચોકડીથી પાંડેસરા વડોદ તરફના રોડ પરથી ઘરે જતા હતા. તેવામાં પાંડેસરા પ્રાઇમ પોઇન્ટથી થોડા જ અંતરે ઝાડી-ઝાખરા પાસે રોડની સાઇડ પર એક બાળકી બાઇક પર બેઠેલી હતી અને તેની સાથે એક શખ્સ ઊભેલો હતો. તેની મુવમેન્ટ પર મને શંકા જતા મેં મોપેડ ઊભી રાખી તે શખ્સને પૂછયું કે આ બાળકી કોણ છે તો તેણે કહ્યું કે મારી દીકરી છે. જયારે બાળકીને પૂછતાં તે ગભરાયેલી હોય, છતાં તેણે પિતા હોવાની વાત કરી, પછી મેં બાળકીને બાઇક પરથી ઉતારી શાંતિથી સમજાવી ત્યારે તેણે કહ્યું કે ‘યહ અંકલ મેરે સાથે ગંદા કામ કરતા થા’, પછી તે શખ્સે બે હાથ જોડી ‘મુઝે માફ કર દો, મેરે સે ભૂલ હો ગઈ હૈ,’ એવુ કહેવા લાગ્યો હતો. મેં કંટ્રોલને જાણ કરી ઘટના સ્થળે પોલીસ બોલાવી હતી.