ગુણસદામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની કોંગ્રેસની ચીમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરશ્રી તાપીને ઉદ્દેશીને સોનગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીના ગુણસદા ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાળાના વાલીઓ સાથે મળીને આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને શાળા મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરી સમયમર્યાદામાં નિર્ણય પાછો ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરશ્રી તાપીને ઉદ્દેશીને સોનગઢ મામલતદારશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રમાં નીચે મુજબની માંગણીઓ કરાવવામાં આવી છે.
“ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 30 થી ઓછી સંખ્યાવાળી તાપી જિલ્લાની 216 શાળાઓ મર્જ કરવાની શક્યતા છે. ગ્રામીણ વિસ્તારમાં શાળા મર્જના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. તાપી જિલ્લામાં વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા છે. છતાં શિક્ષણ વિભાગ અને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવતો નથી. તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે છતાં અમને કોઈ જવાબ મળેલ નથી. સરકાર આદિવાસી વિસ્તારના નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેતી નથી. જો શિક્ષણ વિભાગ તારીખ 5/12/2019 સુધીમાં અમારા આવેદનપત્રોનો જવાબ ન આપે 216 જેટલી શાળા મર્જનો નિર્ણય પાછો ન ખેંચે તો તારીખ 6/12/2019 તાપી જિલ્લાના સોનગઢ ખાતે એકલ વિદ્યાલયના ઉદઘાટન માટે ગુણસદા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમમાં વાલીઓ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું. જેની સઘળી જવાબદારી જે તે વિભાગ અને તંત્રની રહેશે.”