મુગલીસરા-ચોક માર્ગ બંધ કરી દેવાતાં ભારે જામ, પાલિકાના અધિકારી-પદાધિકારીઓ ફસાયા એટલે હવે ઉકેલ શોધાશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે લાખો લોકો માટે ત્રાસદાયક બનવા માંડી છે. 1 વર્ષ સુધી બંધ કરાયેલા રસ્તાઓ પર સિંગલ વે ચાલુ રાખવાનું કહેવાયું હોવા છતાં ચોકથી સ્ટેશન, ચોકથી મુગલીસરા, નાનપુરાથી ચોક અને ચોકથી નહેરુ બ્રિજ તરફના માર્ગો પર હેવી બેરીકેડ તાણી દેવાયા છે. જેથી મોટાભાગનો રોડ બંધ છે. જેથી ચોક-મુગલીસરા માર્ગ પર વાહન વ્યવહારને અવાર-નવાર રોકી લેવાતાં પાલિકા કચેરીનું આવન-જાવન અવરોધાઈ રહ્યું છે. રોજ લાખો લોકો હેરાન થાય છે. ચોકબજાર સિગ્નલ ખાતે ટ્રાફિક પોલીસને પરસેવો વળી જાય છે.
આ ઉપરાંત રાજમાર્ગને ભયંકર ટ્રાફિક જામની સમસ્યામાં ધકેલી દેવાયો છે. જોકે શુક્રવારે પાલિકા સુધી જવા-આવવાના બંને માર્ગ બંધ હોવાથી કેટલાક ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ પણ ટ્રાફિક જામમાં ફસાતાં હવે સ્ટેન્ડિંગ ચેરમેને તાત્કાલિક GMRC ડિરેક્ટરને કામ બંધ હોય તેવા રૂટ પર રસ્તા ખોલી દેવા અથવા તો પ્રોપર આયોજન સાથે શનિવારે બેઠક કરવા તાકીદ કરવી પડી હતી.ચોકબજાર ખાતે તાકીદ વગર જ રસ્તા બંધ કરી દેવાય છે. 24 કલાક ધમધમતા રહેતા રાજમાર્ગ પર મોટા વાહનોના એક ખોટા વળાંક લેવાના લીધે ટ્રાફિક જામ થઇ જાય છે. ચોકથી સ્ટેશન પહોંચવામાં 10ની જગ્યાએ હાલમાં 30 મિનીટ લાગી જાય છે.
ચોકબજાર ખાતે ક્રાઇમ બ્રાંચ સુધીનો સાંકડો રોડ ખુલ્લો તો રખાયો છે. પણ ટ્રાફિક જામ થતા મુગલીસરા જતા લોકોને અડાજણ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ચકરાવો લેવો પડે છે. હજારો ચાલકોની સાથે પાલિકા કર્મીઓ પણ પરેશાન છે.