ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૧૨ ભારત તહેવારોનાં દેશ તરીકે ઓળખાય છે. જ્યાં અનેક નાના મોટા તહેવારોની ઉજવણી ખૂબજ ધામધૂમથી કરવામાં આવે છે. જે પૈકી ભાઇ-બહેનનાં પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો તહેવાર એટલે રક્ષાબંધન. જેમાં બહેન ભાઇને રાખડી બાંધી ભાઈનાં રક્ષણ કાજે ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે.
ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલા રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલન તમામ પ્રાથમિક શાળાઓમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી. શાળામાં ભણતી બાળાઓએ ખૂબજ સ્નેહપૂર્વક સહઅભ્યાસી ભાઈઓને રાખડીઓ બાંધી હતી. બાળકો દ્વારા બહેનોને નાની મોટી ભેટ આપવામાં આવી હતી. તાલુકાની કેટલીક શાળાઓમાં આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલીક શાળાઓમાં દાતા અને શિક્ષકો દ્વારા તિથિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે તાલુકાનાં સમગ્ર બાળકો સહિત શિક્ષકોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.