હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નિઝર તાલુકાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ શરૂ
બાળકોમાં રહેલ દેશપ્રેમની ભાવનાને વાચા આપવામાં આવી
…………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.12: સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બાળકો પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યા નથી.
તાપી જિલ્લા અને મહારાષ્ટ્રની હદ ઉપર આવેલ નિઝર તાલુકામાં પ્રાથમિક શિક્ષણ વિભાગની શાળાઓમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગીદાર બનીને કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.
“હર ઘર તિરંગા” અભિયાનના માધ્યમથી સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જેના માટે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા નિતનવીન પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળા, કોલેજોમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા,વેશભુષા, ‘હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં ખાસ બાબત એ છે કે, બાળકો પોતાની રચનાત્મક કૃતિઓ દ્વારા દેશપ્રેમની ભાવનાને સરાહનિય રીતે વાચા આપી રહ્યા છે. જેના થકી તાપી જિલ્લામાં આ સમગ્ર કાર્યક્રમ ખુબ સફળતા મેળવી રહ્યું છે.
000000000000