‘‘તાપી જિલ્લા-“હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત “તિરંગા નૌકાયાત્રા” અને “નૌકા યાત્રા હરીફાઈ”નું આયોજન
આગામી 13મી ઓગસ્ટે ઉચ્છલ તાલુકાના સેલુડ ખાતે 75 બોટ ધારક માછીમારો બોટ ઉપર ધ્વજ લગાવી તિરંગાને સલામી આપશે
…………….
બોટ મંડળીઓ દ્વારા બોટ રેસ યોજાશે: પોલીસ જવાનો નૌકા પર તૈનાત રહી તિરંગાને સલામી આપશે
…………….
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.10: રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે નવિન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ મત્સ્યોધોગ નિયામક ઉકાઇ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિ.ઉકાઇ, ઉકાઇ મત્સ્યોદ્યોગ સહકારી મંડલીઓ તાપી દ્વારા “તિરંગા નૌકાયાત્રા” અને “નૌકા યાત્રા હરીફાઈ”નું આયોજન* કરવામાં આવ્યું છે. આગામી તા.13-08-2022ના રોજ સવારે 10 થી 12 કલાકે ઉચ્છલ તાલુકાના સેલુડ ખાતે 75 બોટ ધારક માછીમારો બોટ ઉપર ધ્વજ લગાવી તાપી નદી ઉપર લાઇન બદ્ધ ઉભા રહી તિરંગાને સલામી આપી ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત “તિરંગા નૌકાયાત્રા અને “નૌકા યાત્રા હરીફાઈ” યોજાશે.
આ નૌકાયાત્રામાં તમામ માછીમારો પરંપરાગત વેશભૂષામાં નૌકા પર સવાર થશે. સાથે-સાથે પોલીસ જવાનો પણ નૌકા પર તૈનાત રહી તિરંગાને સલામી આપશે. ઉપરાંત મત્સ્ય વિભાગની મંડળીઓ દ્વારા બોટ રેસ/નૌકા યાત્રા હરિફાઇ યોજાશે. કાર્યક્રમના અંતે વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઉચિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં અંદાજે 298 ગ્રામ પંચાયતો, તાપી જિલ્લામા 327814 કુટુંબો, 1225 સહકારી મંડળીઓ, 930 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, 120 સરકારી અને ખાનગી ઉચ્ચતર-માધ્યમિક શાળાઓ, 812 આંગણવાડીઓ, 10 કોલેજો, 290 PHC/CHC/સબસેન્ટર/હોસ્પિટલ, 07 વેટરનીટી કલીનીક અને દવાખાના, 69 કચેરીઓ, 248 સસ્તા અનાજની દુકાનો, 85 પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી, 13 પોલીસ સ્ટેશન અને જેલ, 170 ઉદ્યોગ વેપારીઓ મળી અંદાજિત 332357 સ્થળોએ ધ્વજ વંદન કરવામાં આવનાર છે.
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી તા.૧૫ મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે. આ ઉજવણીમાં તાપી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે અર્થે દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગર પાલિકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતેથી તિરંગાનું રૂપિયા 30ની કિંમતથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની ખાસ બાબત એ છે કે, આ તિરંગાને લહેરાવવા માટે ઉપયોગમાં આવતી લાકડીઓને આપણા જિલ્લાની કોટવાડીયા કોમની સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરી તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં પહોચાડવામાં આવી છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ખરીદી કરી રાષ્ટ્રભાવના વ્યક્ત કરવાની સાથે-સાથે જિલ્લાની બહેનો માટે રોજગારીનું એક ઉમદા કારણ બનવા જિલ્લા વહીવટી તંત્ર સહિત જિલ્લા પંચાયત દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
0000000000