તાપી જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી
વ્યારાના ટાઉન હોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને “વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો
…………..
વ્યારા ખાતેથી કુલ-31158 લાભાર્થીઓને અંદાજીત રૂપિયા 580.12 લાખની સહાય, મંજૂરી પત્રો, કિટનું વિતરણ કરાયું
…………..
પ્રભારીશ્રીના હસ્તે ધોરણ-5 હ્તી 8 ના વિદ્યાર્થીઓ માટે “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” લોંચ કરવામાં આવી
…………..
“આજનો દિવસ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવનો દિવસ છે.”: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
…………..
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા: 09 તાપી જિલ્લામાં આજે 9મી ઓગસ્ટ “વિશ્વ આદિવાસી દિવસની” ભવ્ય ઉજવણી વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને થઇ હતી.
અધ્યક્ષ સ્થાનેથી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આજના દિનની શુભકામનાઓ પાઠવતા સૌને જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવનો દિવસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે 2007માં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી આદિવાસી સમાજના ઉત્થાનનું બીડું ઉપાડ્યું હતું. આ કામને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વર્ષે દસ લાખ આદિવાસી કુટુંબોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે.
તેમણે ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં થતા વિવિધ વિકાસના કામોમાં નાગરિકોને સહભાગી થવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ સહભાગી થઈશું તો વિકાસના કામો વધારે સારી રીતે થઇ શકશે. તેમણે નલ સે જલ યોજના, આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓમાં સરકારશ્રીએ મેળવેલ સિદ્ધિઓ અંગે જાણકારી આપી હતી. સમગ્ર દેશમાં ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરેલ છે. તેમણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાને પ્રાકૃતિક ખેતી ધરાવતો તાલુકો બનાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
તેમણે આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાઈ વિવિધ સ્થળોએ સન્માનભેર તિરંગો લહેરાવી દેશના પર્વમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. અંતે તેમણે યુવાનોને ખાસ સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિ પરંપરાને આગળ ધપાવવા યુવાનોએ આગળ આવી પોતાની સંસ્કૃતિને અપનાવી જોઈએ. જેથી આવનાર પેઢી પણ પોતાની સંસ્કૃતિને જાણી શકે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. આર. ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર 1994માં અમેરિકામાં આદિવાસી દિવસથી ઉજવણી થઈ હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1995 થી સમગ્ર વિશ્વમાં 90 દેશોમાં 37 કરોડ આદિવાસી લોકોના સન્માન માટે નવમી ઓગસ્ટના રોજ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતમાં 14 જિલ્લાઓમાં 27 સ્થળો અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દાહોદ ખાતેથી થનાર છે. ત્યારે તાપી જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
*બોક્સ-1*
*આ પ્રસંગે વ્યારા ખાતેથી મહાનુભાવો દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ, મહેસૂલ અને પશુપાલન વિભાગની વિવિધ 22 થી વધુ યોજનાઓના કુલ-31158 લાભાર્થીઓને અંદાજીત રૂપિયા 580.12 લાખની સહાય, મંજૂરી પત્રો, કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના તેજસ્વી તારલાઓ, તેજસ્વી ખેલાડીઓ, ખેતી અને પશુપાલનમાં સિદ્ધિઓ મેળવેલ ખેડૂતોને પ્રશસ્તિપત્રો/સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.*
*આ ઉપરાંત પ્રભારીશ્રીના હસ્તે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-5 હ્તી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન માધ્યમથી યોજાનાર “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” લોંચ કરવામાં આવી હતી.*
કાર્યક્રમમાં આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને નાગરિકોએ માણ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોટરવા પ્રા.શાળાના આચાર્યશ્રી જિલેશભાઈ દ્વારા અને આભાર દર્શન પીઓ કમ ટીડીઓ વ્યારા દીપ્તિબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડી.એફ.ઓશ્રી આનંદકુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે વલવી, કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઈ કોકણી, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી નીતિનભાઈ ગામીત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, વ્યારા મામલતદારશ્રી દિપક સોનાવાલા, નગરપાલિકા પ્રમુખ સેજલ રાણા સહિત વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
00000000