સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ ઘાતક હથિયારો લઇ તૂટી પડી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ગોડાદરા વિસ્તારમાં ધારદાર હથિયાર અને લાકડીના ફટકા વડે મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં SRP જવાનને ઇજા થઇ હતી. મનપાની દબાણ ખાતાની ટીમ ઢોર પકડવા પહોંચી હતી. દરમિયાન હુમલો કર્યા બાદ ઢોર માલિકો પોતાના ઢોર છોડાવી નાસી છૂટ્યા હતા. મનપાના કર્મચારીઓએ ગોડાદરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરી હતી. જેથી 4 મહિલા સહિત સાત સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત મનપાની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના કર્મચારીઓ પર હથિયારો વડે હુમલો કરતા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હુમલામાં મહિલાઓ પણ હાથમાં હથિયારો લઇને મનપાની ટીમના કર્મચારીઓ પર તૂટી પડી હતી.
સુરત મહાનગર પાલિકાની ઢોર પકડવા જતી ટીમ પર અવારનવાર હુમલાની ઘટનાઓ સુરતમાં સામે આવતી રહે છે તેવામાં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સંતનું ચાર રસ્તા પર મનપાની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. સુરત મહાનગર પાલિકાની દબાણખાતાની રસ્તે રખડતા ઢોર પકડતી ટીમ રોડ પર રખડતા ઢોરને પકડવા માટે ગઈ હતી. મનપાની ટીમે સંતનું ચાર રાસ્ત પર ઢોર પકડીને મનપાના વાહનમાં ચડાવી રહ્યા હતા તે દરમ્યાન ઢોરના માલિકો એ ત્યાં પહોંચી બબાલ કરી હતી.