સ્ટીરિયો એડવેન્ચર, સુરત અને ડીકેથલોન સ્પોર્ટ્સ, સુરત દ્વારા ફ્રેન્ડશીપ ડે રનનું સફળ આયોજન
દોડ સ્પર્ધામાં રન એન્ડ રાઇડર 13 ગૃપનાં રનર અશ્વિન ટંડેલ, ધર્મેશ પટેલ સહિત ટીમનાં સભ્યો જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૭ સ્ટીરિયો એડવેન્ચર, સુરત અને ડીકેથલોન સ્પોર્ટ્સ, સુરત આયોજિત 10k સુરત રન-ફ્રેન્ડશીપ ડે રન વિમાનમથક નજીક સુરત ડુમસ રોડ પર યોજવામાં આવી હતી. જેમાં 10 કિમી, 5 કિમી અને 3 કિમી એમ અલગ અલગ ત્રણ વિભાગમાં અંદાજીત પાંચ સો જેટલાં દોડવીરો સ્પર્ધક તરીકે જોડાયા હતાં. મળસ્કે છ વાગ્યે ભારતમાતાની જયનાં નારા સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દોડ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી. સુરત પોલીસ વ્યસ્થાપન અને દર કિમી દીઠ હાઇડ્રેશન પોઇન્ટ અને ડિજીટલ અંતર માપન પોઇન્ટની સુવિધા સહ આ દોડ અત્યંત સુગમ અને પ્રેરક રહેવા પામી હતી.
અંતમાં ટીમ લીડર હાર્દિક પુરોહિતે આયોજક ટીમ અને સ્પોનસરનો આભાર માન્યો હતો. પ્રથમ ત્રણ ક્રમાંકને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને આયોજકો દ્વારા ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. રન એન્ડ રાઇડર 13 સુરતનાં રનર અશ્વિન ટંડેલ અને ધર્મેશ પટેલ તથા ટીમનાં સભ્યો કે જેઓ દરેક દોડ સ્પર્ધામાં ભાગ લે છે તેઓની ટીમ સહકુટુંબ સુરત પહોંચી આવી સ્વાસ્થ્ય સભર પ્રવૃત્તિમાં સહભાગી થયા હતાં. રાષ્ટ્રધ્વજ સાથે ફોટા લઈ સૌ આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં વ્યસ્ત રહ્યા. વંદે માતરમ્ અને ભારતમાતાની જય સાથે સૌ દોડવીરોએ આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ફીટ ઇન્ડિયાનાં શપથ લીધાં હતાં.
સ્વાતંત્ર્યદિનનાં એક દિવસ પહેલા પણ આ જ સ્થળે પુનઃ એક દોડ સ્પર્ધા યોજાનાર છે. વધુ ને વધુ નાગરિકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય અને એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય એવી આશા રનર અશ્વિન ટંડેલ અને ધર્મેશ પટેલે વ્યક્ત કરી હતી.