જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા દ્વિદિવસીય વિદ્યાપ્રવેશ પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજવામાં આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : NEP – 2020 નાં સુચારુ અમલીકરણ માટે નિપુણ ભારત મિશન અંતર્ગત પાયાનાં શિક્ષણ માટે ધોરણ – 1 થી 3 ને અતિ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શૈક્ષણિક ગુણવત્તા માટે પ્રારંભિક ધોરણથી જ બાળકોની શીખવા-શીખવવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે તે હેતુસર ધોરણ – 1 નાં પ્રારંભે વિદ્યાપ્રવેશ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલ છે.
વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં મોટાભાગનાં બાળકો અધ્યયન કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે તેઓ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન કૌશલ્ય પ્રાપ્ત કરી શક્યાં નથી. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ‘મિશન મોડ’માં તાત્કાલિક પગલા લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી GCERT દ્વારા ‘વિદ્યાપ્રવેશ’ તાલીમ મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે, જે NCERT ની વિદ્યાપ્રવેશ માર્ગદર્શિકા પર આધારિત છે.
આ સમગ્ર હેતુઓને અપેક્ષિત સફળતા સાંપડે તે માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરતનાં માર્ગદર્શન હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા દ્વિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન અત્રેનાં બી.આર.સી. સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. સદર પ્રશિક્ષણ વર્ગમાં 126 જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘વિદ્યાપ્રવેશ’ એ ધોરણ – 1 નાં બાળકો માટે ત્રણ મહિનાનું રમત આધારિત શાળા તત્પરતા મોડ્યુલ છે. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણો અનુસાર વિકસાવવામાં આવ્યું છે. બાળકો કે જેઓ ખાસ કરીને કોવિડ – 19 મહામારી દરમ્યાન ધોરણ – 1 માં પ્રવેશ મેળવે છે ત્યારે બાળકો શાળા સાથે સરળતાથી જોડાઈ તેવું વાતાવરણ મળી રહે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.
પ્રશિક્ષણ દરમિયાન વર્ગમાં ચર્ચા, સંવાદ, પ્રશ્નોત્તરી, વ્યક્તિગત-જોડી-જૂથ કે સમૂહકાર્ય દ્વારા વિદ્યાપ્રવેશ કાર્યક્રમને સમજવા માટે તાલીમાર્થીઓને તજજ્ઞો દ્વારા પૂરતી તક આપવામાં આવી હતી. આ પ્રશિક્ષણ વર્ગનાં તજજ્ઞો તરીકે ઇલા મહિડા (બી.આર.પી.,પ્રજ્ઞા), આશા ગોપાણી (સી.આર.સી.,માસમા), હેમાલી પટેલ (સી.આર.સી.,કુદિયાણા), દિપ્તી મૈસુરિયા (ઉ.શિ.,શિવાજીનગર પ્રા.શાળા), પ્રવિણા મોરકર (ઉ.શિ.,રસુલાબાદ પ્રા.શાળા) તથા સુશીલા પટેલ (ઉ.શિ.,સરોલી પ્રા.શાળા)એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. જ્યારે ત્રણેય વર્ગોનું સંચાલન કાર્ય પરેશ પટેલ (સી.આર.સી.,પિંજરત)એ સંતોષકારક રીતે પાર પાડ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other