ઓલપાડ તાલુકાની સોંસક પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે ભારત માતાના પૂજન, વંદન, આરાધના અને મહાઆરતીનો કાર્યક્રમ ઓલપાડ તાલુકાની સોંસક પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. બાળકોમાં, વાલીઓમાં અને સમાજમાં દેશભક્તિનો ભાવ વધુ પ્રજ્વલિત થાય એવાં શુભ આશય સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારત દેશને આઝાદ કરાવવા માટે મહામુલુ યોગદાન, બલિદાન અને શહીદી વોહરેલ ક્રાંતિવીરો અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી વંદન કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્યો, સ્કુલ મેનેજમેન્ટ કમિટીનાં અધ્યક્ષ અને સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને શૌર્યનાં ભાવ સાથે ઉજવવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ખૂબ જ સુંદર આયોજન પ્રાથમિક શાળાનાં શિક્ષક અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરતનાં મહામંત્રી નિલેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.