કાકડકુવા પ્રાથમિક શાળામાં ૬૭માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી
“અંતરિયાળ શાળાની પ્રગતિ ગ્રામજનોના સહકારથી નોંધપાત્ર રહી છે.”: શાળાના આચાર્ય ગણપતભાઈ બાલુભાઈ ચૌધરી
…………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૨ઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા પ્ર ઉમરદા પ્રાથમિક શાળાના ૬૭માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરપંચ શ્રીમતિ ઝીણીબેન ગામીત ના અધ્યક્ષ સ્થાને શાળાપરિવાર અને ગ્રામજનોએ બાળકોને આશિર્વાદ આપી શિક્ષણમાં અગ્રેસર બનવા શુભેચ્છાઓ પાઠવી હતી.
સરપંચ શ્રીમતિ ઝીણીબહેને શાળાના બાળકો સાથે સંવાદ કરી સરકારશ્રીના આગામી શરૂ થનાર હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સાથે ગામના તમામ બાળકો શાળામાં નિયમિત આવે અને કારકિર્દિના ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
શાળાના આચાર્ય ગણપતભાઈ બાલુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કાકડકુવા ગામમાં તા.૦૧/૦૮/૧૯૫૬માં શરૂ થઈ હતી. ધોરણ-1 થી 5માં હાલમાં કુલ ૬૬ જેટલા બાળકો અભ્યાસ કરે છે. જિલ્લાની શ્રેષ્ઠ એકલવ્ય મોડેલ સ્કુલ,ખોડદામાં અત્યાર સુધીમાં ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે કુલ ૪ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, અહીંથી શિક્ષણ મેળવીને એક વિદ્યાર્થી ડાંગ જિલ્લામાં કોલેજમાં પ્રોફેસર છે. જ્યારે એક વિદ્યાર્થી વ્યારા GETCO માં ઈજનેર છે. ૧૫ થી વધુ બાળકો એન્જીનીયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. આમ અંતરિયાળ શાળાની પ્રગતિ ગ્રામજનોના સહકારથી નોંધપાત્ર રહી છે.
કાકડકુવાના બાળકોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.શાળાના બાળકો સમયાંતરે પ્રભાતફેરી,વૃક્ષારોપણ,કીચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળાને રમણિય બનાવે છે.
સ્થાપના દિવસની આ ઉજવણી પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય રાયસીંગભાઈ ગામીત,વડીલ ભગુભાઈ ગામીત,એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦