આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે રાજ્યનાં શિક્ષણ વિભાગે ભારતમાતા પૂજનનાં કાર્યક્રમમાં બાળકો ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ભાગ લે તે નિશ્ચિત કરવા સાથે પરિપત્ર જાહેર કરેલ હતો. જે અંતર્ગત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સદર કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા ભારત માતાને ખૂબ જ ભાવપૂર્વક પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. શાળાનાં શિક્ષકો દ્વારા બાળકો સમક્ષ દેશની આઝાદી પૂર્વેનાં વીર શહીદોની સંઘર્ષ ગાથા, શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી. તાલુકાની કેટલીક શાળાઓમાં રાષ્ટ્રભક્તિને અનુરૂપ વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીની ચળવળમાં સક્રિય રહેલાં તાલુકાનાં નામી અનામી સ્ત્રી-પુરુષોને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતાં. કેટલીક શાળાઓમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્ર ઉત્થાનને વેગવાન બનાવનાર ગામનાં નાગરિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સંયુક્તપણે જણાવ્યું હતું કે ભારત માતા પૂજનનાં નિર્ધારીત કાર્યક્રમને ઓલપાડ તાલુકામાં અપેક્ષિત પ્રતિસાદ મળેલ છે. બાળકોએ જાતિ ધર્મથી પર રહી ‘અમે સૌ ભારતનાં સંતાન’ની વાતને ખરા અર્થમાં ફળીભૂત કરી હતી. અમો અમારા રાષ્ટ્ર નિર્માણમાં સદા તત્પર એવાં શિક્ષક ભાઈ-બહેનોને આ તબક્કે અભિનંદન પાઠવીએ છીએ.