ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઓલપાડ નગરની તરૂણીઓની સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ અંતર્ગત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) યોજવામાં આવી છે. ગત સપ્તાહથી શરૂ થયેલ આ સ્પર્ધા 73 દિવસ સુધી ચાલશે. સદર ઓનલાઇન સ્પર્ધામાં તમામ કેટેગરીમાં સેંકડો સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાનાં વિજેતાઓની યાદી દર બે સપ્તાહે નિર્ધારીત વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જે અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ટોપ-20 વિજેતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલની સુપુત્રી કુમારી દૃષ્ટિએ સમગ્ર ઓલપાડ તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કરી પંથકનું ગૌરવ વધારેલ છે. જ્યારે કુમારી સૃષ્ટિએ પંદરમો ક્રમાંક પ્રાપ્ત કરી ટોપ 20 માં સ્થાન હાંસલ કરેલ છે.
તાલુકા કક્ષાએ વિજેતા સ્પર્ધકો પરિવારનાં 4 સદસ્યો સાથે એક વર્ષનાં સમયગાળામાં 1 દિવસની સાયન્સ સીટી, અમદાવાદ તથા દાંડી કુટિર, દાંડી માટેની સ્ટડી ટૂર પારિતોષિકરૂપે વિનામૂલ્યે મેળવવાનાં હકદાર બન્યા છે. તેણીઓની આ સિધ્ધિ બદલ કરંજ તેમજ કરંજ સંલગ્ન શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.