સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળમેળાનું સફળ આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત  : જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ધોરણ 1 થી 5 માં આનંદદાયી બાળમેળો તેમજ ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું હતું.
આ બાળમેળા અંતર્ગત ધોરણ 1 થી 5 નાં બાળકોએ કાગળકામ, છાપકામ, રંગપૂરણી, કાતરકામ, ગડીકામ, બાળવાર્તા, અભિનયગીત ઉપરાંત વેશભૂષા જેવી પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જ્યારે જીવન કૌશલ્ય આધારિત બાળમેળામાં ધોરણ 6 થી 8 નાં બાળકોએ રોજિંદા જીવનમાં ઉપયોગી એવી પ્રવૃત્તિઓ તેમજ પોતાની સર્જનાત્મક શક્તિ ખીલે એવી પ્રવૃત્તિઓમાં ખૂબ જ હોંશપૂર્વક ભાગ લીધો હતો. તેમણે ચાલો શીખીએ વિભાગમાં ઈસ્ત્રીનો ઉપયોગ, ફ્યુઝ બાંધવો, બટન ટાંકવા, હથોડી, પાના, પકડ જેવાં સાધનોનો પરિચય તથા ઉપયોગની સમજ કેળવી હતી. સર્જનાત્મકતા વિભાગમાં વેસ્ટમાંથી બેસ્ટ, માટીકામ, કોયડા ઉકેલ, વિજ્ઞાન પ્રયોગો, મહેંદી મૂકવી, હેર સ્ટાઇલ, મેકઅપ કરવો જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. વેશભૂષા અને પર્યાવરણ સ્વચ્છતા વિભાગમાં બાળકો જુદી જુદી વેશભૂષા ધારણ કરી આવ્યા હતાં. તેમણે પર્યાવરણ સંબંધિત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વગેરેમાં સહર્ષ ભાગ લીધો હતો.
દરેક શાળાઓમાં બાળકોએ આ બાળમેળાને મન ભરીને માણ્યો હતો. શાળાનાં શિક્ષકોએ બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કેટલીક શાળાઓમાં દાતાઓ તરફથી અલ્પાહાર તેમજ તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળાને એસ.એમ.સી. સભ્યો તથા વાલીજનોએ નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે તમામ શાળાઓને બાળમેળાનાં સુચારુ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other