કોઇ પણ કપરી પરિસ્થિતીમાં તાપી જિલ્લો “એક ટીમ” તરીકે જે-તે સ્થિતીનો સામનો કરવા સક્ષમ છે એવો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા તંત્ર તાપી
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૧૬: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણીયાએ નાગરિક અધિકાર પત્રો, નિવૃત થયેલા કર્મચારીઓને પેન્શન કેસોની માહિતી, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે, તથા સાંસદ સભ્યશ્રી/ધારાસ્ભ્યશ્રીઓ દ્વારા રજુ થતા પત્રોની વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી વઢવાણીયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ તાપી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતીમાં લાઇન ડિપાર્ટમેન્ટે કરેલ સક્રિય કામગીરીમાં જરૂરીયાતમંદોને સહાય, રસ્તા રોડના સમારકામ, બચાવ કામગીરી જેવી તમામ બાબતો માટે દરેક વિભાગના કર્મચારી અધિકારીઓની સરાહના કરી હતી. વધુમાં તેમણે ભવિષ્યમાં કોઇ પણ કપરી પરિસ્થિતીમાં તાપી જિલ્લો “એક ટીમ” તરીકે જે-તે સ્થિતીનો સામનો કરવા સક્ષમ છે. એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં આગામી સમયમાં જે ફ્રન્ટલાઇનર્સના પ્રિકોશન ડોઝ બાકી છે તેઓ માટે સરકારશ્રીની સુચના અનુસાર નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ વહેલી તકે લઇ લેવા આખ અનુરોધ કર્યો હતો. આ સાથે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ બીએલઓ દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. તથા આગામી સમયમાં ખાસ કેમ્પેઇન શરૂ કરવા અંગે જાણકારી આપી હતી.
સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં ડી.આર.ડી.એ નિયામક અશોક ચૌધરી, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, નિઝર પ્રાંત જયકુમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦