વ્યારા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક યોજાઇ
સમુહમાં જે કામો થાય છે એ કામો એકલા હાથે કરવું મુશકેલ છે :-સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
…………….
કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચીત ના રહે તેની કાળજી રાખવા સુચનો કર્યા
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૬: સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન વ્યારા ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ” દિશાની ” બેઠક મળી હતી. આ બેઠકમાં ગત મીટીંગની કાર્યવાહિ નોંધને વાંચનમાં લઇ બહાલી આપવા બાબત તેમજ માહે માર્ચ- ૨૦૨૨ અંતિત થયેલ ભૌતિક અને નાણાંકિય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ યોજનાની તથા વિવિધ વિભાગો તરફથી મળેલ ફરિયાદ અરજીઓ તેમજ લોક ફરિયાદની અરજીઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે, વરસાદમાં જેમના ઘરો પડી ગયા છે એવા તમામ લોકોની યાદી આવનાર દિવસોમાં PMAY ના લાભર્થીઓ નક્કી કરી વહેલી તકે એમને આવસોના લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરવા સૂચનો કર્યા હતા.
તાપી જિલ્લાના પ્રશાસન સાથે આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોએ સંકલન સાથે અસરકારક કામગીરી કરી છે જેથી જિલ્લામાં મોટી આપદાઓને ટાળી શક્યા છીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલવામાં આવતા સખી મેળાની તેમાં ખાસ કરીને પ્રસંશા કરી હતી, તેમા પણ ખાસ કરીને જે ઓર્ગેનિક વસ્તુઓ બનાવવામાં આવી હતી તેની સરાહના કરતા સખી મંડળોને ખાસ અભિનંદન પાઠ્વ્યા હતા. આગામી સમયમાં પણ જિલ્લામાં આવા સખી મેળાનું આયોજન થાય અને તાપી જિલ્લાના તમામ બહેનો પોતાના પગ ઉપર ઉભી થઇ પોતાના પરિવાર સાથે સુખાકારી જીવન વિતાવે તેમ જણાવ્યું હતું . સમુહમાં જે કામો થાય છે એ કામો એકલા હાથે કરવું મુશકેલ છે.
વધુમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ મનરેગા,પાણીપુરવઠા, આરોગ્ય, રેલવે ક્રોસિંગ, આઇસીડીએસ, વિજપુરવઠા, ટેલિકોમ, રેલ્વે અને હાઇવે વિભગની વિગતવાર ચર્ચા,પ્રધાનમંત્રી આવાસ યોજના અને ખાસ દિવ્યાંગો માટે મુસાફરી પાસ ની યોજના વિશે પણ વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સુચનો કર્યા હતા.
વધુમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જિલ્લાનો કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાનો લાભ લેવાથી વંચીત ના રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું. સાંસદશ્રીના આદર્શ ગ્રામ યોજનાની તથા તકેદારી આયોગ તરફથી મળેલ ફરિયાદ અરજીઓ તેમજ લોક ફરિયાદની અરજીઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સાંસદશ્રીએ પેન્ડીંગ રહેલ યોજનાકિય કામોને ઝડપથી પુરા કરવાનું જણાવી સબંધિત અધિકારીઓને જરૂરી કેટલાક માર્ગદર્શક સુચનો કર્યા હતા. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ખાસ કરીને જિલ્લામાં કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળે, વિધવા બહેનો ને ગંગાસ્વરૂપા યોજના હેઠળ લાભ મળે,દિવ્યાંગોને યોગ્ય સાધન-સુવિધા અને તેઓના લાભ મળે તેના માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
દિશાની બેઠકમાં પ્રધાન મંત્રી આવાસ અને અનાજ વિતરણ-રેશન કાર્ડ બાબતે રજુઆત કરી સબંધિત અધિકારીઓને સત્વરે યોગ્ય પગલા લેવા સુચના આપી હતી.
કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ તમામ માળખાકિય સુવિધાઓની જાણકારી આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. ડી.કાપડિયાએ સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ડીઆરડીએ નિયામકશ્રી અશોક ચૌધરીએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
બેઠકમાં નગરપાલિકા સભ્યશ્રી સેજલબેન રાણા, તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલ અધિકારીશ્રીઓ, તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર આર.જે.વલવી, વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર સી. પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા , જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦