તાપી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તૈયાર કરેલા અમૃત સરોવરો ખાતે ૧૫મી ઓગસ્ટે ધ્વજ વંદન દ્વારા રાષ્ટ્રિય પર્વ ઉજવાશે 

Contact News Publisher

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઇ
…………………
“અમૃત સરોવરોને સાંસ્કૃતિક વિરાસત રૂપે વિકસાવવા સરોવરના નવિનીકરણ/નિર્માણમાં ગ્રામજનો સહભાગી બને તે જરૂરી” : જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા
…………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) ૦૮: ભારત સરકાર દ્વારા “આઝાદીના અમૃત મહોત્સવ”ના ભાગરૂપે દેશના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નિર્માણ/નવિનીકરણ કરવા માટે જણાવાયું છે. જેમાં દરેક જિલ્લામાં આ ૭૫ સરોવરો પૈકી ૨૦ અમૃત સરોવરના કામો સુશોભનની કામગીરી સહિત પૂર્ણ કરી ૧૫ ઓગસ્ટ-૨૦૨૨ના રોજ ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવા જણાવાયું છે. તાપી જિલ્લામાં આ ઉજવણી અને તળાવોના બ્યુટીફિકેશન અન્વયે આજરોજ જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ અમૃત સરોવરોના નવિનીકરણ અંગેના મહત્વને સમજાવતા સરપંચશ્રીઓને જણાવ્યું હતું કે, આ અમૃત સરોવર ગ્રામજનો માટે મનોરંજન, આસ્થાનું કેન્દ્ર બનશે. સાંસ્કૃતિક વિરાસત રૂપે તેને વિકસાવવા સૌ મળી સરોવરના નિર્માણમાં ગ્રામજનો સહભાગી બને તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૦ અમૃત તળાવોના સ્થળે સુશોભનની કામગીરી કરવામાં આવશે. જેમાં સરોવરની સાઇડમાં સ્ટોન પીચીંગ, પેવર બ્લોક બેસાડવા, બેસવા માટે બાકડા, સ્ટ્રીટ લાઇટ/સોલાર લાઇટ, સ્થળ ઉપર વૃક્ષારોપણ કરવા તથા ૧૫મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન માટે પ્લેટફોર્મ અને ફાઉન્ડેશન સ્ટોન બનાવવામાં આવશે. આ સરોવરના નિર્માણ માટે લોકસમુદાયને સહભાગી કરવા અને જે-તે ગામના સ્થાનિક નાગરિકો અને સેવાભાવી લોકો દ્વારા મેળવેલ ભંડોળના ઉપયોગ થકી સરોવરનું નિર્માણ/નવિનીકરણ કરવામાં આવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એસ.રાઠવા, ડી.આર.ડી.એ ડાયરેક્ટરશ્રી અશોક ચૌધરી સહિત ૨૦ ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *