આવતીકાલથી ૧૯-જુલાઇ ૨૦૨૨ સુધી તાપી જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે
વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે : કાર્યક્રમ બાદ રથ-૧ને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે.
………………….
સોનગઢ ખાતે નગરગરપાલીકાના પટાંગણથી રથ-૨ને પ્રસ્થાન કરાવાશે
………………….
રથ-૧ દ્વારા ૨૨૦ ગામો અને રથ-૨ દ્વારા ૧૭૪ મળી ૩૯૪ ગામોને આવરી લેવાશે
………………….
( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૦૪: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના 20 વર્ષના વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આજે તા.૦૫-૦૭-૨૦૨૨ થી ૧૯-૦૭-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. જેમાં તાપી જિલ્લામાં વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે સાંજે ૦૫.૦૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને “વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ બાદ સાંજે ૦૬.૩૦ કલાકે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથ-૧ ને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. આ ઉપરાંત સોનગઢ તાલુકાના નગરગરપાલીકાના પટાંગણથી રથ-૨નો પ્રસ્થાન કરાવાશે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હુત, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ સાથે એલ.ઈ.ડી.સ્ક્રીનવાળા તૈયાર કરાયેલા રથ દ્વારા રથ-૧ દ્વારા ૨૨૦ અને રથ-૨ દ્વારા ૧૭૪ મળી કુલ- ૩૯૪ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જે તે વિસ્તારમાં રથના આગમન બાદ ગ્રામજનો દ્વારા સ્વાગત કરી ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્ર્પધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ જેવા કાર્યક્રમો આવરી લેવામા આવશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦