વ્યારાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “ડેટા ફોર સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ” થીમ આધારે “ ૧૬ માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે” ઉજવાયો

“આ સમયમાં દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવાનો અવકાશ છે.”- જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયા
………………….
( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા. ૨૯: તાપી જિલ્લાના આર્ટ્સ એંન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આંકડા અધિકારીશ્રી એસ.એ. ડોડિયા તેમજ એસ.એસ.પાંડે ઇ.ચા. જિલ્લા આયોજન અધિકારી, તાપીના સયુંકત ઉપક્રમે આજરોજ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા’ થીમ હેઠળ “ ૧૬માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રંસંગે તાપી જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયાએ આંકડાશાસ્ત્રનું જીવનમાં મહત્વ સમજાવતા દેશના વિકાસના આયામ અને દેશની નીતિ નિર્ધારણ તરીકે આકડાશાસ્ત્રનો ખાસ નિર્દેશ કર્યો હતો. આજે દેશનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આપણા મનમાં ગાઠ બાંધી લેવી જોઇએ કે જીવનના તમામ ક્ષેત્રે આંકડાનું મહત્વ વધી ગયું છે. વધુમાં તેમણે ૨૦૨૨ના “સ્ટેટિસ્ટિક્સ ડે” માટેની થીમ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા’ રાખવામાં આવી છે તેના વિશે માહિતી આપી હતી.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ સમયમાં દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવાનો અવકાશ છે. તેમણે સંશોધનનું મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે કોઇ પણ માણસમાં આંતરસુઝ હોય તો કોઇ પણ ક્ષેત્રમાં સંશોધન કરી શકે. અંતે તેમણે પર્યાવરણને નુકસાન કરીને દેશનો વિકાસ નહિ કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંશોધન અધિકારીશ્રી સાવિત્રી વસાવાએ આજના આ મહત્વના દિવસ “ ૧૬માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે” ના ભાગરૂપે પ્રો. પ્રશાંતચંદ્ર મહાલનોબિસ દ્વારા આંક્ડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે આપેલ નોધપાત્ર યોગદન અંગે માહિતી આપી હતી. વધુમા તેમણે જણાવ્યું હતુ કે, આ દિવસનો ઉદેશ્ય સામાજિક, આર્થિક, આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાની ભૂમિકા અને મહત્વ વિશે પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબિસ પાસેથી પ્રેરણા મેળવવા માટે ખાસ કરીને યુવા પેઢીમાં જન જાગૃતિ લાવવાનું છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્ર્મમાં વ્યારા કોલેજના પ્રો.આશિષ નાયકે ૧૬માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે”નુ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આંકડાશાસ્ત્ર એ આપણા રોજિંદા જીવનનો એક મહ્ત્વનો ભાગ છે.આજે કોઇ પણ ક્ષેત્રે સંશોધન કરવું હોય તો આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત અગત્યની બની રહે છે, આંકડા વગર કોઇ પણ ક્ષેત્રે સંશોધન કરવું શક્ય નથી. વધુમાં તેમણે પોતાના વિદ્યાર્થી કાળના અનુભવો અંગે ચર્ચા કરી વિદ્યાર્થીઓ આવી ભૂલો ના કરે તે માટે જાગૃત કર્યા હતા. અને આંકડાશાસ્ત્રના પાયાનું જ્ઞાન દરેકે જાણવું જોઇએ તેમ ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વ્યારા કોલેજના આંકડાશાસ્ત્રના પ્રો.ભાવિનાબેન શાહએ આંકડાઓને સમજવા માટે આકડાઓ સાથે રમતા શિખવું જોઇએ. આજે સંશોધન કર્યા વગર કોઇ પણ કાર્ય કરવું શક્ય નથી તેથી આંકડાશાસ્ત્રનું મહ્ત્વ વધી ગયુ છે એમ સમજાવ્યું હતું.
વ્યારા કોલેજમાં પી.એચ.ડી કરતા વિદ્યાર્થી ઉષાબેન ગામીત અને વિશાલ ગામીતે પોતાના સંશોધન અંગે અનુભવો વ્યક્ત કરતા આંકડાશાસ્ત્રની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપ્યું હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વતંત્રતા પછીના યુગમાં આર્થિક આયોજન અને આંકડાકીય વિકાસના ક્ષેત્રોમાં પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબિસ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનના ભાગરૂપે ભારત સરકાર દર વર્ષે ૨૯મી જૂનને તેમની જન્મજયંતિના અનુસંધાનમાં, રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવનાર આ વિશેષ દિવસની શ્રેણીમાં “સ્ટેટિસ્ટિક્સ ડે” તરીકે નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય વિકાસમાં સત્તાવાર આંકડાઓના મહત્વને પ્રકાશિત કરવા માટે સેમિનાર, ચર્ચાઓ અને સ્પર્ધાઓ યોજીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં વ્યારા સ્થિત આર્ટ્સ એંન્ડ કોમર્સ કોલેજ ખાતે “૧૬માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે, ભારત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગરૂપે, ૨૭મી જૂન ૨૦૨૨ થી ૩જી જુલાઈ ૨૦૨૨ દરમિયાન એક સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આંકડા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ૨૦૨૨ના “સ્ટેટિસ્ટિક્સ ડે” માટેની થીમ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા’ રાખવામાં આવી છે.
આ કાર્યક્રમમાં વ્યારા કોલેજના ઉપઆચાર્યશ્રી વસંતભાઇ સહિત અદ્યાપકશ્રીઓમાં શ્રીમતિ દક્ષાબેન, શ્રી ગોવિંદભાઇ, સંશોધન અધિકારી વિનિશાબેન ગામીત, અર્થશાસ્ત્ર અને કોમર્સના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000000000