તાપી જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઈ : ૩૧૨૭ કેસોનો હકારાત્મક નિકાલ
“પક્ષકારોના તકરારોનુ સુખદ સમાધાન લોક અદાલતમાં થાય છે : – મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એસ.વી. વ્યાસ
………………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૭: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર ગુજરાત રાજ્યમાં તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપી વ્યારા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, વ્યારા,વાલોડ, ડોલવણ,સોનગઢ,ઉચ્છલ, નિઝર ના સંયુક્ત ઉપક્રમે તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી તાપી જીલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી.
અધ્યક્ષ ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એસ.વી.વ્યાસે લોક અદાલતની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અદાલતોમાં વધતા જતા કેસોના હકારાત્મક અભિગમ સાથે નિકાલ આવે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.પક્ષકારો વચ્ચે જે કાંઈ મનદુઃખ છે તેનો સુખદ સમાધાન અને સુખદ અંત આવે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. અદાલતમાં ચુકાદો આવે પછી એની અપીલ થતી નથી. આ લોક અદાલતનો હેતુ એવો છે કે આ ટ્રાયલ કોર્ટમાં જ આપની તકરારનો અંત આવે થોડુ જતુ કરવાની ભાવના રાખી પક્ષકારો વચ્ચે સમાધાન થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી પી.એમ.અટોદરીયાએ જણાવ્યું હતું કે ૧૯૮૩ થી લોક અદાલતની શરૂઆત જુનાગઢથી આખા દેશમાં કરવામાં આવી હતી. કોર્ટની અંદર કેસો ચાલે લોકોનો સમય ના વ્યય થાય તે માટે લોક અદાલત શ્રેષ્ઠ માધ્યમ છે. જે કાંઈ મનદુખ હોય તે કાઢી નાંખવું જોઈએ. સમાધાનથી કોઈ હારતુ નથી કોઈ જીતતુ નથી. બંને ઘરોમાં ખુશી ફેલાય અને દિવો પ્રગટે છે.
અધ્યક્ષ, તાલુકા સેવા સમિતિ અને મુખ્ય સિનિયર સિવિલ જજ શ્રી એ.એસ.પાંડેએ જણાવ્યું હતું કે, આ લોક અદાલત લોકની લોકો દ્વાર અને લોકો માટેની નેશનલ લોક અદાલત છે.જુનાથી જુના કેસોનુ સમાધાનથી નિરાકરણ આવે તેવો લોક અદાલતનો હેતુ છે. આપણા વડાપ્રધાનશ્રી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ અર્થાત બધા સાથે મળીને તકરારનો અંત લાવીએ.સુપ્રીમ કોર્ટ થી લઇ રાજ્યના તાલુકા કક્ષા સુધી નેશનલ લોક અદાલતનું આયોજન કરાય છે. જેમાં તમામ કેસોનો નિકાલ કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવે છે.
લોક અદાલતમાં દિવાની દાવા, ભારતીય ફોજદારી ધારાના કેસો, અકસ્માત વળતરના કેસો, વિજળી બીલના કેસો, પ્રોહીબીશન કેસો, જુગારના કેસો, ચેક બાઉન્સના કેસો તથા બેકોં અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. કેસોમાં પ્રિ-લીટીગેશનના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તાપી જીલ્લાની તમામ અદાલતોમાં પેન્ડીંગ કેસોમાં સમાધાનથી નેશનલ લોક અદાલતમાં નિકાલ થાય અને પક્ષકારના કેસોનો સુખદ નિરાકરણ આવે છે. એક વખત સમાધાન થયા પછી તેવા કેસોમાં અપીલ કે રીવીઝન કરવાનો કોઇ કારણ ઉપસ્થિત થતુ નથી. લોક અદાલતમાં થયેલ સમાધાનનો નિર્ણય આખરી નિર્ણય છે.
નેશનલ લોક અદાલતમાં સમાધાન થી નિકાલ થયેલ કેસોમાં ભરેલી સ્ટેમ્પ ફી પણ રીફંડ આપવામા આવે છે. નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે કોઇ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તાપી જિલ્લામાં પેન્ડીંગ કેસોમાં લોક અદાલતમાં ૩૪૫, સ્પે. સિટીંગ-૨૧૧૦, પ્રિ-સિટીંગ-૬૭૨, મળીને કુલ-૩૧૨૭ હકારાત્મક નિકાલ કરાયો હતો.
0000000000000000