છીંડીયા ગામે નવા પુલના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ગણપત વસાવા 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી સમાજ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારના હકારાત્મક અભિગમને કારણે આજે આદિવાસી સમાજને અનેકવિધ યોજનાઓના લાભો પુરા પાડી, તેમના સર્વાંગીણ વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. ત્યારે આદિવાસી સમાજે પણ તેમના સર્વાંગીણ વિકાસ માટે ઉભી થયેલી તકોનો લાભ લઈને, દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, તેમ છીંડીયા ખાતે, મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

અંદાજીત રૂ.૧૩ કરોડના ખર્ચે ઝાંખરી નદી ઉપર છીંડીયા થી મેઘપુર, બાલપુરને જોડતા નવા પુલના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ઉપલબ્ધ થયેલી ધનરાશી થી મેઘપુર પાસે, ઝાંખરી નદી ઉપર, તથા છીંડીયા ગામે લોકલ ખાડી ઉપર તૈયાર થનારા ત્રણ જેટલા પુલોને કારણે મેઘપુર, છીંડીયા, સાંકળી, આરકુંડ, બાલપુર, વાંદરદેવી, ગડત, ખૂંટાડીયા, આંબીયા, મંગળીયા જેવા ગામોના લોકો ખૂંબ જ સરળતાથી તાલુકા મથક અને માર્કેટિંગ સેન્ટર વ્યારા સાથે જોડાઈ શકશે. હાલમાં આ વિસ્તારના પ્રજાજનોએ વ્યારા-ભેંસકાતરી રોડ થઇ ટીચકીયા પુલ પરથી આશરે ૧૦ કિલોમીટરનું અંતર કાપીને વ્યારા આવવું, જવું પડે છે. જેને બદલે હવે આગામી ૧૨ જ માસમાં આ નવા પુલના નિર્માણથી, આ વિસ્તારના પ્રજાજનોનું આવાગમન સરળ અને સુવિધાયુક્ત બની રહેશે તેમ પણ શ્રી ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું હતું.

સ્થાનિક પ્રજાજનોની વર્ષો જૂની માંગણીને ખૂબ જ સંવેદના સાથે સાંભળી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આ વિસ્તારની સમસ્યાનો અંત લાવ્યા છે ત્યારે, આ પુલના બાંધકામમાં તેની ગુણવત્તા જળવાઈ, અને સમય મર્યાદામાં તે કામ પૂર્ણ થાય તેવી પણ મંત્રીશ્રીએ આ વેળા અપીલ કરી હતી.

બારડોલી મતવિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે આ વિસ્તારની વર્ષોજુની સમસ્યાનો હલ આવી રહ્યો છે, ત્યારે પ્રજાજનોએ પણ કર્મઠ જનપ્રતિનિધિઓના હાથ, વધુ મજબૂત કરવા જોઈએ એમ જણાવતા મંત્રીશ્રીએ વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર તે જે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરે છે, તેના લોકાર્પણ કરવાનો પણ અભિગમ ધરાવે છે તેમ જણાવ્યું હતું.

સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી નદીની પેલે પાર વસતા લોકોને, મુખ્ય મથક સાથે જોડવાનું કામ થઈ રહ્યું હોવાનું જણાવી, પ્રજાકીય સુખકારીને લક્ષમાં લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસકામો કરી રહી છે તેમ જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન નદીમાં આવતા વરસાદી પાણીને કારણે અંદાજીત ૨૫ જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ જતા હતા, જેમને આ પુલોના નિર્માણથી ખૂબ જ ફાયદો થશે તેમ પણ શ્રી વસાવાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.

પૂલ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી સહિતના મહાનુભાવો સાથે તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણી, નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમાર, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, કાર્યપાલક ઇજનેરો તથા તેમની ટિમ, સ્થાનિક કાર્યકરો, આસપાસના ગામોના સરપંચો સહિત લાભાર્થી ગામોના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *