બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ઘ્વારા આગામી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યશિક્ષકોની મીટીંગ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આગામી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના સઘન આયોજનનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર,ઓલપાડ ઘ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકોની એક મીટીંગનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંધનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ, મંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, સી.ઓર.સી.કો-ઓર્ડિનેટરો, બી.આર.પી.ઓ તથા તમામ મુખ્યશિક્ષકો ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે બી.આર.સી.કો-ઓર્ડિનેટર કિરીટભાઈએ સૌને આવકારી આગામી તારીખ ૨૩ થી ૨૫ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવની રૂપરેખા જણાવી હતી. તેમણે શાળા પ્રવેશોત્સવ પહેલા કરવાની કામગીરી, શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરવાની કામગીરી અને શાળા પ્રવેશોત્સવ પછી કરવાની કામગીરી અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને ગુણોત્સવ-૮નાં ગ્રેડેશનથી માહિતગાર કરીને જણાવ્યું હતું કે આગામી સત્રથી આપણે સૌ ખભેખભા મિલાવી કામે લાગી જઈએ. સહિયારા પ્રયત્નો થકી જ ઝડપી અને ઉજળા પરિણામો પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યુ હતુ કે સંસારમાં શિક્ષકનો વ્યવસાય યુગોથી પવિત્ર છે તેને વફાદાર રહેવું એ શ્રેષ્ઠ પ્રભુભકિત છે.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે બાળક, વાલી અને શિક્ષકનો આત્મસંતોષ જ ખરું ગ્રેડેશન છે. સાથેજ તેમણે આગામી પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા સૌને હાકલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ કર્યું હતું. તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.