પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 નાં આચાર્ય પ્રકાશ પરમારને ‘સુરત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત): ‘ઘટમાં ઘોડા થનગને…’ ઉક્તિને ચાલકબળ સમજી પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીને સ્વબળે ઉજ્જવળ અને અન્ય માટે પ્રેરણાસ્રોત બનાવનાર વ્યક્તિત્વ એટલે પ્રકાશ પરમાર.
મૂળ કીમ તા.ઓલપાડનાં વતની પ્રકાશ વસનજી પરમાર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં એક સામાન્ય શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્ત થઈ તેમણે યશસ્વી કામગીરી કરી નામના પ્રાપ્ત કરી. હાલ તેઓ સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળી પોતાની શાળાને સફળતાનાં નવા સોપાનો સર કરાવવાની નોંધનીય કામગીરી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કવિ, લેખક, અભિનેતા, મૂલ્યાંકનકાર, પરામર્શક, ઉદ્દઘોષક, ભાષા તજજ્ઞ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રકાશ પરમાર તાલુકા કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ લેખન, અભિનય જેવાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં તેઓ પુસ્તક રચનામાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. તેમનાં દ્વારા રચાયેલ પ્રજ્ઞા ગીત રાજ્યભરની શાળાઓમાં ગુંજે છે જે સમગ્ર સુરત શહેર સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
પોતાની આગવી સૂઝબૂઝ અને નવીનતમ પ્રયોગો થકી તેમજ પોતાનાં સહકર્મીઓ અને વાલીઓ સાથે યોગ્ય સંકલન સાધી શાળા અને બાળકોનાં હિતાર્થે સતત સક્રિય રહેતાં પ્રતિભાસંપન્ન પ્રકાશ પરમારને અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ‘સુરત રત્ન’ થી નવાજવામાં આવ્યા. કોઈપણ જાતની વિગતો મંગાવ્યા વગર, કોઈપણ અરજી પત્રક કે ભલામણ વગર, કેવળ કાર્યને ધ્યાનમાં લઇ જાતતપાસ અને સ્વાનુભવથી સુરત શહેરમાંથી જુદા-જુદા કાર્યક્ષેત્રમાંથી વીણીવીણીને ૭૫ જેટલા પુરુષોને ‘સુરત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા તે પૈકીનાં પ્રકાશ પરમાર એક છે.
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે પદ્મશ્રી યઝદી કરંજીયા સહિત વિવિધ ક્ષેત્રનાં કર્મશીલોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષક તરીકે મેં મારી શાળામાં કરેલા બાળકેન્દ્રી કાર્યોને ધ્યાનમાં લઇ મને પણ ‘સુરત રત્ન’ ગણ્યો એનો આનંદ છે. તેમણે અંતમાં હેતલબેન, અમિષાબેન અને પ્રીતિબેન સહિત અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ટીમનો ખૂબજ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.