ઓલપાડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ વટસાવિત્રી વ્રતની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરી.  

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : વટસાવિત્રી વ્રત હિન્દુ ધાર્મિક સંસ્કૃતિનું એક અનોખું પારંપારિક વ્રત છે. વિવાહિત સ્ત્રીઓ આ વ્રત પોતાનાં પતિનાં દીર્ઘાયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે, કૌટુંબિક કલ્યાણ માટે અને પોતાને જન્મોજન્મ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એવાં શુભ હેતુ માટે કરે છે. ‘વટમૂલે સ્થિતો બ્રહ્મા, વટમધ્યે જનાર્દનઃ। વટાગ્રે તું શિવો દેવઃ સાવિત્રી વટસંશ્રિતાઃ ।।’ અર્થાત્, વટવૃક્ષનાં મૂળમાં બ્રહ્મા, મધ્યભાગમાં વિષ્ણુ અને અગ્રભાગે શિવજી બિરાજે છે અને દેવી સાવિત્રી પણ સમગ્ર વટવૃક્ષમાં સ્થિર થયાં છે. સાવિત્રી પોતાનાં પતિ સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પાછો લઈ આવી હતી એવી ધાર્મિક માન્યતા સાથે આ વ્રત નિમિત્તે સ્ત્રીઓ સાવિત્રીની જેમ જ પોતાનાં પતિનાં દીર્ઘાયુ માટેની ઈચ્છા ત્રણેય દેવતાઓ સમક્ષ વ્યક્ત કરી ‘નમઃ સાવિત્ર્યૈ’ એ પ્રકારનાં ઉચ્ચારણ સાથે વડની પૂજા કરે છે. સાથેજ વટસાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કે પઠન કરે છે.
પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીની ચોથી લહેરની દહેશત વચ્ચે પણ વટસાવિત્રી વ્રતની પૂનમે ઓલપાડ તાલુકાનાં ગામેગામ સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાનાં પતિનાં દીર્ઘાયુ માટે વડની પૂજા કરી હતી. સ્ત્રીઓએ વડનાં સાંનિધ્યમાં બેસીને ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન, પાન-સોપારી, ફળ-ફૂલ, ચોખા વગેરેથી પૂજા-અર્ચના સાથે સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી હતી. સામાજિક અંતરની ગડમથલ વચ્ચે પોતાનાં પતિદેવને સર્વસ્વ સમજી સ્ત્રીઓએ ભાવપૂર્વક આ વ્રતની પરંપરાગત અને વિધિવત ઉજવણી કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other