આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી સંદર્ભે તાપી કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Contact News Publisher

જિલ્લા કક્ષાએ મુખ્ય કાર્યક્રમ સહિત સાત તાલુકાઓમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪-ઃ આગામી તા.૨૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા અને જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોગ તજજ્ઞો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
તાપી જિલ્લામાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસનું ભવ્ય આયોજન થાય અને સમગ્ર કાર્યક્રમ સૂપેરે પાર પડે તે માટે સુચારૂ માર્ગદર્શન આપતા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રીનો ઉદે્શ છે કે લોકો સ્વયંભૂ આ કાર્યક્રમમાં જનભાગીદારીથી જોડાય તે અપેક્ષીત છે. અને યોગા ફોર હ્યુમાનીટી થીમ આધારિત કાર્યક્રમ યોજાશે. જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં અંદાજીત ૩ હજાર જેટલા લોકો ભાગ લેશે. દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. તેમજ સયાજી ગ્રાઉન્ડ ખાતે વ્યારા નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. વ્યારા નગરમાં બાગ-બગીચા,શાળા-કોલેજના પટાંગણમાં તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે પણ આ કાર્યક્રમ યોજાશે. પોલીસ વિભાગ દ્વારા હેડકવાર્ટરમાં યોગા ડે ઉજવાશે. તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ યોજાશે. જેમાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીના સંકલન દ્વારા કાર્યક્રમ યોજવાનો રહેશે. ગ્રામ્યકક્ષાએ ઓછામાં ઓછા ૨૫ લોકો ભાગ લેવાનો રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીએજણાવ્યું હતું કે યોગથી મેડીટેશન થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તેવો સરકારનો અભિગમ છે. સવારે ૬ થી કાર્યક્રમ શરૂ થશે. વડાપ્રધાનશ્રી લોકોને સંબોધન કરશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું પણ ઉદબોધન રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓ,શાળાના શિક્ષકો,અધિકારીશ્રીઓ,કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત તમામ લોકો આંતરરાષ્ટ્રિય યોગ દિવસે ભાગ લેશે.
નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી વૈકલ્પિક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા સ્ટાફ,પદાધિકારીઓ, કોર્પોરેટરો સંસ્થાઓ સાથે સંકલન કરી વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. પોર્ટલ ઉપર ફોટોગ્રાફ્સ મુકાય અને સોશ્યલ મીડિયામાં પણ ખાસ ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરાશે.
આર્ટ ઓફ લીવીંગના ડો.કામીની પટેલે જણાવ્યું હતું કે આગામી તા.૧૮ થી ૨૦ દરમિયાન કાર્યક્રમના સ્થળે નિઃશૂલ્ક સવારે એક થી દોઢ કલાક યોગા કરાવવાનું આયોજન છે. જ્યારે ડોલવણ ખાતે યોગ કોચ ખુશ્બુબેન પી.ચૌધરી દ્વારા વિવિધલક્ષી વિદ્યાલયમાં યોગા કરાવવામાં આવનાર છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગેની બેઠકમાં પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા,ચીફ ઓફિસર દર્પણ ઓઝા,જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત,યોગ કોચ ઉમેશ તામશે,ડો.જેનીશ ચૌહાણ,માર્ગ અને મકાન ઈજનેર,જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા,વિક્રમભાઇ તરસાડિયા,પંકજભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other