ગુજરાત સરકાર સમગ્ર શિક્ષાના ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરે: ઉઠતી પ્રચંડ માંગ
“કરાર આધારિત કર્મચારીઓ એટલે ૫ વર્ષ કરાર આધારિત કાયમી નોકરી કરતાં કે ફક્ત ૧૧ માસ કરારવાળા?” સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગણી ઉઠી રહી છે.
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : “શું સરકારે ૫૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ પગાર ધરાવતાં કાયમી કર્મચારીને પગાર વધારો આપવાની પહેલા જરૂર છે કે ડીઝિટલ ઇંડિયાના સ્વપ્નને સાકાર કરતા ૧૧ માસ કરાર આધારિત ખૂબ જ ઓછા વેતનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા એમ.આઈ.એસ.-કોમ્પ્યુટર ઓપરેટર્સને ?” વિચારો. “નજીવા વેતનમાં શ્રેષ્ઠ કામ કરતા ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓની આકરી કસોટી ક્યાં સુધી?” સરકાર યોગ્ય ન્યાય આપે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરાર આધારીત કર્મચારીઓને કાયમી કરવાની ચર્ચાઓ તેમજ મેસેજ પ્રિન્ટ મીડિયા, ટીવી ન્યુઝ, સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતા થયા છે જેના કારણે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોમાં ખુશીની સાથે આશાનું કિરણ પ્રજ્વલિત થયેલ જોવા મળી રહ્યુ છે પરંતુ અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે પણ સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કે વિચારણા કરવામાં આવે ત્યારે ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થા પગાર વધારો એરિયર્સ વગેરે જેવી માંગો લઈને સરકાર સમક્ષ પહોંચી જાય છે અને યુક્તિ પ્રયુક્તિઓ કે અન્ય કોઈપણ રીતે સરકાર પાસે પોતાની માગણીઓ મંજૂર કરાવી લે છે જેથી સરકારશ્રીનુ ધ્યાન ખૂબ જ ઓછા પગારમાં સરકારી કચેરીઓમાં કામ કરતા શોષિત ૧૧ માસ આધારિત કર્મચારીઓ તરફ પડતુ જ નથી!!
ઉલ્લેખનીય છે કે કરાર આધારીત એટલે “સરકારશ્રીના ફક્ત પાંચ વર્ષ ફિક્સ પગાર કરાર આધારિત કાયમી નિમણૂક મેળવતા કર્મચારીઓ કે પછી ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓ?” આ પ્રશ્ન દરેક સરકારી કચેરીઓમાં નિષ્ઠાથી ફરજ બજાવતા કર્મચારીઓ માં થઈ રહ્યો છે આ બાબતની સ્પષ્ટતા કોઈ પણ પ્રિન્ટ મીડિયા સોશ્યલ મીડિયા કે ટીવી ન્યુઝ માં સરકારે કરેલ નથી તો એક નજરે આ ફક્ત લોભામણી લોલીપોપ જેવું જ ફલિત થઈ રહ્યુ હોય તેવુ જણાય રહ્યુ છે!
અમુક જાગૃત નાગરિકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જ્યારે ખૂબ જ ઓછા પગારમાં ૧૧ માસ કરાર આધારિત છેલ્લા ૧૦-૧૦ વર્ષથી નોકરી કરતા સમગ્ર શિક્ષાના એમઆઈએસ વિભાગના એમ.આઈ.એસ. અને કોમ્પ્યુટર ઓપરેટરને પગાર વધારાનો લાભ આપવામાં શા માટે વિલંબ કરી રહી છે?? જ્યારે આ જ પ્રોજેક્ટના એક વિભાગને ખૂબ જ સન્માન જનક પગાર વધારો આજ થી ૨ વર્ષ પૂર્વે જ આપવામા આવી ગયેલ છે. તો એ બાબત વિચારવી રહી. સરકાર પગાર ફિકસેશન બાબતે તાત્કાલિક ઉકેલ લાવે એવી માંગ.
આજના સમયમાં મોંઘવારીએ જયારે માઝા મૂકી છે ત્યારે સામાન્ય નાગરિક માટે પોતાનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે સામાન્ય પરિવારને ગુજરાન ચલાવવા માટે 6000 મકાન ભાડુ/15000 હપ્તો, 1500 દૂધ નું બિલ 4000 કરિયાણું 1500 શાકભાજી 2000 પેટ્રોલ 300 મોબાઈલ 920 ગેસનો બાટલો 350 ટીવી રિચાર્જ 2000 લાઇટબીલ મળી કુલ આશરે 18570 રૂપિયા જેટલો માસિક ખર્ચ સાદાઈથી પરિવારનું ગુજરાન ચલાવવાનો હોય છે. આ સિવાય જીવનજરૂરી સામાજિક તેમજ પારિવારિક ખર્ચ તો અલગ જ હોય છે. વિચારો ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ પગારમાં ઘર કેમ ચાલે? સરકાર આ બાબતે પણ સંવેદના દર્શાવી પગાર વધારો આપે તેવી માંગ થઈ રહી છે. તેમજ જેઓ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત છેલ્લા ૫ વર્ષથી કામગીરી કરી રહ્યા હોય તેઓને કાયમી કરી અન્ય કર્મચારીઓની જેમ વધુ નહિ તો એક સારો પગાર કે જેનાથી ઘર ગુજરાન ચલાવી શકાય તેવુ કરી આપે તેવી માંગણી છે.
સમગ્ર શિક્ષા અંતર્ગત એમ.આઈ.એસ. વિભાગ દ્વારા તમામ માહિતી કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અનેક કોમ્પ્યુટર વિભાગના પાયાના કર્મચારીઓ જેવા કે ડીસ્ટ્રીક્ટ એમ.આઈ.એસ., ડીસ્ટ્રીકેટ ડેટા એન્ટ્રી ઓપરેટર, બ્લોક એમ.આઈ.એસ. અને બ્લોક ડેટા એન્ટ્રી ઓપરેટરોએ તનતોડ મહેનત કરી આપણા ગુજરાતને ડીઝિટલ ગુજરાત રાજ્ય બનાવી રાજ્ય તેમજ દેશની પ્રગતિમાં સિંહફાળો નોંધાવ્યો છે. આજે સરકારશ્રીને કોઈપણ પ્રકાર કે વિભાગની માહિતી ફક્ત આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જેની પાછળ કોમ્પ્યુટર વિભાગના પાયાના ડેટા એન્ટ્રી ઓપરેટર અને એમ.આઈ.એસ.નો અથાગ પરિશ્રમ મહેનત રહેલા છે. આવી ઉત્તમ અને ઉપયોગી માહિતીનુ ડીઝિટલાઈઝેશન કરી સરકાર તેમજ દેશને સન્માન અપાવવા બદલ આવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તો દૂરની વાત છે પરંતુ આવી ઉત્તમ હોવા છતા આ કામગીરીની અત્યાર સુધીમાં કોઈએ નોંધ પણ લીધી નથી. જે આપણા સૌ કોઈ માટે નિરાશાજનક બાબત ગણાય. જ્યારે તમામ વિભાગોની પ્રગતિ પાછળ એમ.આઈ.એસ. વિભાગ દ્વારા તૈયાર કરવામા આવેલ સચોટ માહિતિનો સવિશેષ ફાળો રહેલો છે. જે આપણે સૌ જાણિએ છીએ.
આ ઉપરાંત ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા જેના થકી શિક્ષણ વિભાગ ઉજળુ છે તેના દસ વર્ષથી ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓમાં ક્યારેય પગાર વધારો મળશે અને ક્યારેય સરકાર તેઓને કાયમી કર્મચારી બનાવી એક સન્માનજનક જીવન જીવવાનો મોકો આપશે તે વિષય ચર્ચાઈ રહ્યો છે આ જ પ્રોજેક્ટ અંતર્ગત એક વિભાગનો તો આજથી બે વર્ષ પહેલાં જ પગાર વધારો આપી દીધો છે અને અન્ય વિભાગ હજુ પણ વંચિત છે એ જ વિચારવા જેવી બાબત છે તો અન્ય વિભાગની કોઈ કામગીરી જ ન હતી અથવા નથી? તેવી પણ મૂંઝવણ પણ આવા કર્મચારીઓ અનુભવી રહ્યા છે.
વધુમાં એક બાબત એ પણ બહુ ચર્ચિત છે કે “શું સરકારને ૫૦૦૦૦ થી ૧,૫0,000 ધરાવતા કાયમી કર્મચારીને પગાર વધારો આપવાની પહેલા જરૂર છે કે ૧૧ માસ કરાર આધારિત ખૂબ જ ઓછા વેતનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓને? ખૂબ જ ગંભીર રીતે વિચારવા લાયક બાબત જો શ્રી ભુપેંદ્રભાઈ પટેલની પ્રજાનુ હિત ઇચ્છતિ સરકાર આ વિશે ત્વરિત કંઈક યોગ્ય કરી શકે તો ખરેખર ગુજરાતના ૧૧ માસ કરાર આધારિત કામગીરી કરતા હજારો કર્મચારીઓના પરિવારના આશિર્વાદ આગામી ચૂંટણીમાં તેઓને કદાચ મળી શકે!