પાલ ગામની શાળા ક્રમાંક ૩૧૯નાં વિદ્યાર્થીઓને દિવાળી ભેટનું વિતરણ કરી વાઘબારસની વિશિષ્ટ ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક- ૩૧૯માં આજરોજ વાઘબારસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી. આજે સરસ્વતી વંદના બાદ વિદ્યાર્થીઓને દિવાળી ભેટનું વિતરણ કરવામાં આવ્યું. અમી ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે હેતલબેન નાયક તથા અમીબહેન દ્વારા વિદ્યાર્થીઓને દિવાળી નિમિત્તે ફૂલઝડી, ફટાકડા અને સ્વીટ કપ કેકનાં પેકેટ આપવામાં આવ્યા હતાં. શ્રીલેખા રેસિડેન્સી પાલણપોરના મહેશભાઈ પટેલ (મહેશ કાકા) દ્વારા તમામ વિદ્યાર્થીઓને કોવિડ-19 ના હથિયારરૂપ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સમાજનાં છેવાડાનાં નાના બાળકો દિવાળીની ખુશીથી વંચિત ન રહે તે માટે એનજીઓ અને દાતાઓના સહકારથી શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ દિવાળી ભેટ અર્પણ કરવામાં આવી.ધોરણ 1થી 5 ના વિદ્યાર્થીઓ વતી એમના વાલીઓએ ભેટ સ્વીકારી હતી.
વેકેશનની રજા હોવાં છતાં શાળા પરિવારનાં તમામ શિક્ષિકાબહેનો આ કાર્યક્રમમાં હાજર રહી કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય એ રીતે વ્યવસ્થામાં સહભાગી થયાં.શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી પ્રકાશભાઈ પરમારે આ ઘટનાને ગૌરવપૂર્ણ ગણાવી. તમામ બાળકો આ દિવાળીભેટ મેળવી ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં.