“તાપી જિલ્લાની યુવાશક્તિમાં જ્ઞાન મેળવવાની ભુખ છે:” – કલેક્ટર એચ.કે. વઢવાણિયા

Contact News Publisher

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે સાહસિક પ્રવૃતિઓ શિબીરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો
………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૦: રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત-ગમત કચેરી તાપીના સહયોગથી આજરોજ વ્યારા સ્થિત શ્રીમતી આર.પી.ચૌહાન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે જિલ્લા સાહસિક પ્રવૃતિઓ શિબીરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ શિબીરમાં તા.૨૫-૧૦-૨૦૨૧થી ૨૯-૧૦-૨૦૨૧ના એક અઠવાડિયા દરમિયાન કોલેજના એન.સી.સી. અને એન.એસ.એસ.ના કુલ ૪૫ વિદ્યાર્થીઓને વિવિધ આકસ્મિક આપત્તિઓના સમયે લેવાના પગલાની જાણકારી અંગે પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દ્વારા શિખવવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ પુરી પાડતા કહ્યુ હતું કે, આ શિબીર દરમિયાન મેળવેલ જ્ઞાનને જીવનમાં ઉતારી પોતાના સુધી સિમિતના રાખતા સમાજ સુધી લઇ જાઓ. જેથી ભવિષ્યમાં જો કોઇ પરિસ્થિતી સર્જાય તો એ સમયે ત્વરીત નિર્ણય શક્તિ અને કોઠાસુઝ દ્વારા લોકોના જીવન બચાવી શકશો. તેમણે પોતાના વિદ્યાર્થી તરીકેના જીવનની પળો યાદ કરતા વધુમાં ઉમેર્યું કે, જરૂરીયાત ઉદભવતા વ્યક્તિ દરેક બાબતો આપોઆપ શીખી જ જતી હોય છે પરંતુ જેમ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી હોય છે તેમ દરેક યુવાનને આપત્તિ વ્યવસ્થાપનની પ્રાથમિક બાબતો તો આવડવી જ જોઇએ કહી વિદ્યાર્થીઓને સ્વિમીંગ શીખવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી એચ.વાય.ખરવાસીયાએ સ્વાગત પ્રવચન બાદ વિદ્યાર્થીઓ માટે ઉનાળા દરમિયાન અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે એક અલગ વાંચનાલય કે રૂમની વ્યવસ્થા ઉભી કરવાની રજુઆત કરતા કલેકટરશ્રીને તુરંત જ આ બાબતને આવકારી “તાપી જિલ્લાની યુવાશક્તિમાં જ્ઞાન મેળવવાની ભુખ છે” એમ કહી આ વાંચનાલય બાબતને સહર્ષ સ્વીકારી આચાર્યશ્રીને એસ્ટીમેટ પ્લાન તૈયાર કરી પોતાને રજુ કરવા જણાવીને ટુંક સમયમાં વ્યવસ્થા ઉભી કરાવવાની વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કરણ ગામીતે પ્રેઝનટેશનના માધ્યમથી શિબીર દરમિયાન થયેલી પ્રવૃતિઓ જેમાં, યોગા, દોરડાને ૩૬ ગાંઠ બનાવવની રીત, પ્રાથમિક સારવાર, ઘરગથ્થુ ચીજ વસ્તુઓ દ્વારા સ્ટ્રેચર, લાઇફ જેકેટ જેવા ક્રાફ્ટ બનાવવાની રીત, ઘવાયેલા વ્યક્તિઓને ખસેડવાની પધ્ધતિ, અગ્નિશામક સાધનોના ઉપયોગ વગેરે અંગે જાણકારી આપવામાં આવી હતી. આ શિબીરમાં જિલ્લા આપત્તિ વ્યવ્સ્થાપન કેંદ્રના કરણ ગામીત, સુનિતાબેન ચૌધરી,ત્રીલોકભાઇ ઠાકોર અને વ્યારાના ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પુર, ભુકંપ, આગ, વાવઝોડા જેવી વિવિધ આક્સ્મિક પરિસ્થિતી દરમિયાન લેવાના પગલા અંગે ડિમોસ્ટ્રેશન દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
શિબીરમાં તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓમાંથી એફ.વાયની વિદ્યાર્થીની કુમકુમ અને વિદ્યાર્થી આર્યને શિબીર દરમિયાન મેળવેલ તાલીમ અંગે પ્રતિભાવો આપવામાં જણાવ્યું હતું કે, હવે અમારામાં એટલો આત્મવિશ્વાસ આવી ગયો છે કે કોઇ આવી ઘટના થાય તો આ તાલીમના જ્ઞાનનો ઉપયોગ અમે જે-તે વ્યક્તિના જીવ બચાવવા કરી શકીશું.
આ પ્રસંગે જિલ્લા રમત-ગમત કચેરીના યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, કોલેજના પ્રધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રો સમાજિક અંતર જાળવી ઉપસ્થિત રહયા હતા.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other