તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુર દ્વારા, વ્યારા,તાપી) : તા.૨૯: ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા આગામી તા.૧/૧/૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીનો, ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ જાહેર કરવામા આવ્યો છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ તમામ મતદારોને પોતાની મતદારયાદીમાં સુધારા/વધારા કરવા માટેની જાણકારી હેતુ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં મતદારયાદી સુધારાનો કાર્યક્ર્મ” હાથ ધરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત તા.૧/૧૧/૨૦૨૧ (સોમવાર) થી તા.૩૦/૧૧/૨૦૨૧ (મંગળવાર) દરમિયાન નિયત દિવસો એ આ કાર્યક્ર્મ નિયત કરવામાં આવ્યો છે. જેમા તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) તથા તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર)ના દિવસો દરમિયાન મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશના કાર્યક્ર્મો હાથ ધરવામાં આવનાર છે.
આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન તાપીના ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય કે, તા.૧/૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થનાર હોય, તેવા નવા મતદારોના મતદારયાદીમાં નામ દાખલ કરાવવા, મતદાર કાર્ડમા જરૂરી સુધારા/વધારા કરાવવા, સ્થળમાં ફેરફાર કરાવવા, કે મરણના કિસ્સાઓમા નામ કમી કરાવવાના હોય તેમણે ખાસ ઝુંબેશના દિવસે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી, જરૂરી આધાર પુરાવાઓ સાથે નજીકની પ્રાથમિક શાળા (મતદાન મથક) પર હાજર રહી બુથ લેવલ ઓફિસર (BLO)મારફત આ કામગીરી કરાવી શકશે.
રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ BLOના સહકારથી મતદારયાદીનાં મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો તે શોધવા BLને ઝુંબેશના દિવસે પદનામિત અધિકારી સાથે નિયોજીત સ્થળે ઉપસ્થિત રહે તે માટે તથા આ ખાસ ઝુંબેશના દિવસ બાબતે જાહેર જનતામાં જાણકારીના પ્રચાર / પ્રસાર માટે રાજકીય પક્ષોને અનુરોધ કરવા સુચના આપવામાં આવેલ છે. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૦/૧૨/૨૦૨૧ સુધીમાં નિકાલ કરવામાં આવશે.મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫/૦૧/૨૦૨૨ ના રોજ કરવામાં આવશે. આપના રહેણાંક વિસ્તારમાં આવેલ મતદાન મથકના સ્થળે બુથ લેવલ ઓફિસર મારફતે તા.૧/૧/૨૦૨૨ ની લાયકાત તારીખ સંદર્ભે જે મતદારની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમુના નં.૬ (ઉંમર તથા રહેઠાણના પુરાવા સહિત) માં અરજી કરવી, જેમાં આપના પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ નિયત જગ્યાએ ચોંટાડવો, જેથી નામ દાખલ કરતી વખતે મતદારયાદીમાં આપના નામની સામે આપનો ફોટો પણ આવી શકે. મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે નમુના નં.૭ માં અરજી કરવી. મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા માટે નમુના નં.૮ માં અરજી કરવી. એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમુના નં.૮ ક માં અરજી કરવી. આ નમુના કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ બુથ લેવલ ઓફિસર પાસેથી વિના મુલ્યે મેળવી આ નમુના જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.
વધુમા આ કામગીરી સરળતાથી ઘર બેઠા કરી શકાય તે માટે www.nvsp.in અને www.ceogujarat.gov.in વેબ સાઇટ, Voter Helpline એપ, તથા ટેલિફોન હેલ્પલાઇન ૧૯૫૦ ના માધ્યમથી પણ આ કામગીરીની સુવિધાઓ જાહેર કરવામાં આવી છે.ત્યારે આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા કલેક્ટરશ્રીની અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.
૦૦૦૦૦૦