તાપી જિલ્લામાં આગામી ૧લી નવેમ્બરના રોજ મેગા લીગલ કેમ્પ યોજાશે
જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને મેગા લીગલ કેમ્પના આયોજન અંગે બેઠક યોજાઇ
…………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૮: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, તાપી દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારના “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે તા.૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ના દરમિયાન સમગ્ર રાજ્યમાં મફત કાનૂની સહાયો તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરી શકાય તે માટે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આગામી તા.૧લી નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે વ્યારાના ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે મેગા લીગલ કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સુયોગ્ય રીતે સંચાલીત થઇ શકે તે અર્થે આજે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સુચન કરતા જણાવ્યુ હ્તું કે, આ કેમ્પ થકી જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ કાનૂની અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી મળે તે માટેનું સુચારૂ આયોજન કરવા. તેમણે ખાસ કરીને કેમ્પ દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન થાય તેની તકેદારી રાખવા સુચન કર્યુ હતું.
આ મેગા કેમ્પ દ્વારા મફ્ત કાનૂની શિક્ષણ તથા સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકોને અવગત કરવામાં આવશે. કાર્યક્રમમાં વિવિધ વિભાગના લાભાર્થીઓને પ્રમાણપત્રો/સહાય/ચેક વિતરણ કરવાની સાથે વિવિધ યોજનાકિય માહિતી સ્ટોલ ઉપર યોજનાકિય જાણકારી આપતા સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેમ્પ દરમિયાન વેક્શિનેશન કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.
આ બેઠકમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ વી.આર.બુધ્ધ, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, અધિક જિલ્લા નિવાસી કલેક્ટર આર.જે.વલવી, ડી.આર.ડી.એ નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી હિતેશ જોશી સહિત સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦