કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી સોનગઢ તાલુકાના વેલઝર ખાતે આશરે રૂ.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત “અણુમથક સાંસ્ક્રુતિક ભવન”નું લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): એન.પી.સી.આઇ.એલ.-કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. યોજના અંતર્ગત આશરે રૂ.૫૧ લાખના ખર્ચે સોનગઢ તાલુકાની વેલઝર પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત “અણુમથક સાંસ્ક્રુતિક ભવન” નું લોકાર્પણ તારીખ ૨૫/૧૦/૨૦૨૧ સોમવારના રોજ કાકરાપાર અણુવિદ્યુત મથક ૩ અને ૪ ના સ્ટેશન ડાયરેક્ટરશ્રી સુનિલ કુમાર રોય ના વરદ હસ્તે અને ચેરમેન સીએસઆર સમિતિ શ્રી નિતિન જે. કેવટ અને ગામના સરપંચ શ્રીમતિ રેખાબેન ગામીત અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
મુખ્ય અતિથિ શ્રી સુનિલ કુમાર રોયે શાળા પરિવાર તેમજ ગ્રામજનોને આ સુવિધાના લોકાર્પણ પ્રસંગે અભિનંદન આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા નવનિર્મિત સંપૂર્ણ સુવિધાયુક્ત “અણુમથક સાંસ્ક્રુતિક ભવન” શાળાના શિક્ષણકાર્યમાં ઉત્સાહનો ઉમેરો કરશે. શિક્ષિત અને કુશળ નાગરિકના પાયાના ઘડતરમાં પ્રાથમિક શાળા મહત્વનો ભાગ ભજવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આસપાસના ગામના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે અને તે માટે કાકરાપાર અણુવિદ્યુત મથક જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યુ કે આ સાંસ્ક્રુતિક ભવન વિવિધ શાળાકીય તેમજ સરકારી કાર્યક્રમોના આયોજનમાં ખૂબ મદદરૂપ થશે અને શાળા તેમજ ગ્રામજનોને ભૂતકાળમાં પડતી અગવડો દૂર થશે. તેમણે જણાવ્યુ હતું કે ગામને જે સુવિધાઓ મળી છે તેની સારી રીતે જાળવણી કરવી જોઈએ સાથો સાથ તેની આસપાસમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે અણુમથકની સીએસઆર યોજના હેઠળ મથકની ૧૬ કિમી ત્રિજ્યામાં આવેલા ગામોમાં માળખાકીય સુવિધાઓની જરૂરિયાત સંતોષવા સતત પ્રયત્નશીલ છીએ. આસપાસના ગામોમાં રસ્તાઓ, સિંચાઇ માટે લિફ્ટ ઇરિગેશન, પીવાના પાણીની સુવિધા, શાળાના સંપૂર્ણ સુવિધાયુક્ત ભવનોનું નિર્માણ, તેમજ આસપાસના ગામોની મોટાભાગની શાળાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સાંસ્ક્રુતિક ભવન, મધ્યાહન ભોજન કિચનશેડ, કુમાર-કન્યાઓ માટે સેનિટેશન બ્લોક વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.
શ્રી નિતિન જે. કેવટ, ચેરમેન સીએસઆર સમિતિ એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં શાળા પરિવાર તેમજ ગ્રામજનોને નવનિર્મિત સંપૂર્ણ સુવિધાયુક્ત સાંસ્ક્રુતિક ભવનની ભેટ મળવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે શાળા અને ગ્રામજનોએ આવી માળખાકીય સુવિધાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમણે બાળકોને ઉદાહરણ આપી સમજાવ્યું હતું કે જીવનમાં પ્રગતિની સાથો સાથ લક્ષ્યાંકો બદલાતા રહેતા હોય છે, કોઈ એક લક્ષ્યાંક પ્રાપ્ત કર્યા પછી એની આગળનું લક્ષ્યાંક તમારી સામે હોય છે. તેમણે શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્ક્રુતિક કૃતિઓની પ્રશંસા કરી હતી અને શિક્ષકોને સૂચન કર્યું હતું કે બાળકોને તેમની રુચિ મુજબ જે તે વિષય અને ઇતર પ્રવૃતિઓમા પણ આગળ વધવા આ જ રીતે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહેવું જોઈએ.
ગામના સરપંચશ્રી અને શાળાના મુખ્ય શિક્ષકશ્રીએ શાળામાં “સંપૂર્ણ સુવિધાયુક્ત અણુમથક સાંસ્ક્રુતિક ભવન” જેવી અદ્યતન સુવિધા આપવા બદલ કાકરાપાર અણુવિદ્યુત મથકના તમામ અધિકારીઓનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા હાથ ધરવામાં આવેલ સી.એસ.આર. પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને આજ રીતે ગામના વિકાસમાં યોગદાન આપતા રહે એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી શ્રી એમ.એમ. અન્સારી, વરિષ્ઠ પ્રબંધક (મા.સં.), શ્રી બી. શ્રીધર, એડિ. ચીફ એંજિનિયર (સિવિલ), વેલઝર ગામથી શ્રી ભરતભાઇ ગોડીવાળિયા, મુખ્ય શિક્ષક, શ્રી સુરેશભાઇ ગામીત, સભ્ય, તાલુકા પંચાયત સોનગઢ, શ્રી ઝીણાભાઇ ગામીત, શ્રી રણછોડભાઇ ગામીત, ગ્રામ પંચાયત સભ્યો, શાળા સંચાલક સમિતિ સભ્યો, તેમજ ગામના આગેવાનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.