તાપીના કુકરમુંડા ખાતે ગઢચીરોલીથી સાઈકલીસ્ટ CRPF જવાનોની એકતા રેલીનું ભવ્ય સ્વાગત
“આઓ ઝુક કર સલામ કરે ઉનકો, જીસકે સર પે યે મુકામ આતા હૈ. ખુશનસીબ હોતે હૈ વો લોગ, જીનકા લહુ ઈસ દેશકે કામ આતા હૈ” – CRPF આસીસ્ટન્ટ કમાન્ડન્ટ ચેતન શેલોટકર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૨૫ ઃ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પીસાવર, આસરવા,તલોદા,કુકરમુંડા ગામે વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહારાષ્ટ્રના ગઢચીરોલીથી સાઈકલીસ્ટ CRPF જવાનોની એકતા રેલીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનીટી,કેવડીયા ખાતે સમગ્ર દેશમાંથી સાઈકલીસ્ટ જવાનો એકતા યાત્રા દ્વારા એકતાનો બુલંદ સંદેશ પહોંચાડી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં આ એકતા રેલીના જવાનોનું આવી પહોંચતા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કુકરમુંડા સ્થિત આશ્રમશાળા ફુલવાડી ખાતે વહીવટીતંત્ર દ્વારા આયોજીત જવાનોના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત સૌને રેલીનો હેતુ સમજાવતા CRPF આસીસ્ટન્ટ કમાન્ડન્ટ ચેતન શેલોટકરે અત્યંત ભાવુક થઈ જવાનોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે “આઓ ઝુક કર સલામ કરે ઉનકો, જીસકે સર પે યે મુકામ આતા હૈ. ખુશનસીબ હોતે હૈ વો લોગ, જીનકા લહુ ઈસ દેશકે કામ આતા હૈ” અખંડ ભારત દેશમાં અલગ અલગ ધર્મ જાતિના લોકો એકતાના સૂત્રને સાર્થક કરી સંપીને રહે છે. ૧૨ ઓકટોબર ૨૦૨૧ ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલે આ સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ગઢચીરોલીથી કેવડીયા ૯૩૦ કિ.મી.ની સાઈકલ યાત્રા પૂર્ણ કરી અમે રસ્તામાં જુદા જુદા પ્રદેશોમાં થઇ લોકોમાં એકતાની ભાવના જાગૃત કરી દેશની એકતાને અખંડ રાખવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરી રહ્યા છીએ. રસ્તામા; દેશની રક્ષા માટે બલિદાન આપનાર જવાનોના કુટુંબીઓનો હોંશલો વધારવો તેમનું મનોબળ મજબૂત બનાવીએ છીએ. સાઈકલ રેલીની સાથે પર્યાવરણને બચાવવા સાઈકલનો ઉપયોગ કરો અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઈન્ડિયા સૂત્રને જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહયા છીએ. અમે દેશના આતંકવાદ,નક્ષલવાદ સામે લડી રહ્યા છીએ. મુઝે બહુત ખુશી હૈ હમારા તન,મન સમર્પિત હૈ ઈસ દેશ કે લીયે.
કુલ ૨૫ સાઈકલીસ્ટ જવાનો સાથે એમ્બ્યુલન્સ,ડોકટર ટીમ અને સાથી સૈનિકો મળીને કુલ ૭૫ જેટલા CRPF જવાનો આ એકતા રેલીમાં જોડાયા હતા. જેનું કુકરમુંડાના અબાલ-વૃધ્ધ સહિત તમામ નગરજનોએ પુષ્પગુચ્છ આપી, ફુલવર્ષા કરી જવાનોને ઉમળકાભેર વધાવ્યા હતા. ઉત્તર બુનિયાદી આશ્રમશાળા,ફુલવાડીની બાલિકાઓ,સદગવાણ પ્રાથમિક શાળા તેમજ ચીખલદા ગામના કલાવૃંદે સૈનિકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. CRPF જવાનોએ પણ આશ્રમશાળાના બાળકોને ટી-શર્ટ ભેટ આપી ખુશી વ્યક્ત કરી હતી. તાપી પોલીસે તમામ સાઈકલવીર જવાનોનું સન્માન કર્યું હતું.
દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાનથી 723 કિલોમીટરની સાઇકલ રેલી કાઢીને કેવડીયા આવી રહ્યા છે. ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો 2793 કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં એસએસબી,ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ચિમ બંગાળથી 2347 કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે. જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ, ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો 930 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી 26 મી ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, કુકરમુંડા મામલતદાર ચેતન સુથાર,તાલુકા વિકાસ અધિકારી સુશ્રી એન.વાય દેસાઈ, પી એસ.આઈ. ચિત્તે, આસી. કમાન્ડન્ટ ડો.શૈલેન્દ્રકુમાર,વિશાલ પાટીદાર,મુકેશકુમાર સિંઘ, એસ.કે.બામોલા,નંદરબારના ડો.સુજીત પાટીલ, સંગઠક અજયભાઈ, એપીએમસીના ઘનશ્યામભાઈ,સરપંચ ગજેન્દ્રભાઈ પાડવી,દંડક રાહુલ ચૌધરી, શાળા આચાર્ય અભેસિંગ પાડવી સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તેમજ અંતમાં આભારદર્શન મામલતદાર ચેતન સુથારે કર્યું હતું.
૦૦૦૦૦૦