ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામે રન એન્ડ રાઇડર ગૃપ દ્વારા પ્રથમવાર આયોજીત સાઇકલ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા માટે એક અનેરી પહેલ કરવામાં આવી. વધતા જતા પેટ્રોલનાં ભાવથી છૂટકારો મેળવવા તેમજ તંદુરસ્તી જાળવવા સાવ સામાન્ય ખર્ચે સાયકલિંગ કરવાને વેગ આપવા માટે ભાંડુત ગામનાં જાગૃત યુવા અને પ્રાથમિક શાળા કોબા, તા.ઓલપાડનાં આચાર્ય ધર્મેશ મગનભાઈ પટેલ, તેમની ટીમ અને ગામનાં યુવા મિત્રોએ એક પહેલ શરૂ કરી. કોઈપણ પ્રકારની ફી વગર માત્ર સાઈકલ લઈને આવી પાંચ, દશ અને પંદર કિમીની સાઈકલ સ્પર્ધામાં જોડાવા માટે 160 રજીસ્ટ્રેશન કર્યા. ગામનાં સરપંચ સાહેબ તથા અગ્રણીઓની મદદથી લોક સહયોગ મેળવ્યો.
કોરોના મહામારી સંદર્ભે સરકારની તમામ માર્ગદર્શિકાને અનુસરી, પૂર્વ મંજૂરી અને પોલીસ સુરક્ષા સાથે તથા પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ તેમજ આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાની શરૂઆત સવારે 6:30 કલાકે ગામનાં વડીલ જગદીશભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી કરાવી. ગામનાં સ્વામિનારાયણ મંદિરથી લઇ દાંડી સુધીનાં સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો એમ ચાર વિભાગમાં 160 સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતાં. તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમાંકને આકર્ષક ટ્રોફી સ્વ.સોમાભાઈનાં સ્મરણાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે ગૃપનાં સિદ્ધિ હાંસલ કરેલા દોડવીરો અને સાયકલિસ્ટ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધકોને ટી-શર્ટ, કેપ, મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
ઇનામ વિતરણ અને સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજેતા સ્પર્ધકો, ટીમના વિશેષ સિદ્ધિ મેળવેલ સભ્યો, સરપંચશ્રી, આયોજક ધર્મેશ સર તેમજ આયોજન સમિતિના દરેક સભ્યોનું મેડલ અને સ્મૃતિભેટ વડે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં સૌનું અભિવાદન કરવામાં આવ્યું. ગામનાં યુવા તેમજ બાળકો રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે , સૌનું આરોગ્ય તંદુરસ્ત રહે એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કર્યા. એકતા, સહકાર અને નવાચારનાં મિશ્રણ સમાં આ સુવર્ણદિનની કુશળ પૂર્ણાહુતિ થઈ. આયોજક મિત્રોએ મામલતદાર સાહેબ, આરોગ્ય વિભાગ , પોલીસતંત્ર, પત્રકારગણ, કેમેરામેન , તમામ સ્પર્ધકો , સરપંચ, સભ્યો, સ્વયંસેવકો તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો.
“મોબાઈલ છોડો અને મેદાને પડો” નાં મંત્ર સાથે સૌએ સ્વસ્થતાનાં શપથ લીધાં. આગામી સમયમાં થનારી ઇવેન્ટ વિશે રજૂઆત કરી અને અંતે સૌ રાષ્ટ્રગાન બાદ વિસર્જિત થયા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other