કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ(ડાંગ) અને બાગાયત વિભાગ ડાંગ દ્વારા ફળ તથા શાકભાજી પાકોના મૂલ્યવર્ધન અંગે તાલીમ અપાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ બાગાયત વિભાગ ડાંગ, ખેડૂત અને મહિલાઓના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વિજ્ઞાન અને વડા જી.જી. ચૌહાણ અને તુષારભાઈ ગામીત, મદદનીશ બાગાયત નિયામક ડાંગના માર્ગદર્શન હેઠળ વઘઈ ખાતે બે દિવસની તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમના પ્રથમ દિવસે કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.પી.પી.જાવિયા (પાકઉત્પાદન) દ્વારા મૂલ્યવર્ધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા કૃષિ હવામાનશાસ્ત્રના નિષ્ણાંત શ્રી એસ.એન. ચૌધરી દ્વારા પાકો પર થતી હવામાનની અસર તેમજ કોઈપણ આગોત્રૂ આયોજન કરવા માટે મિડિયમ રેંજ વેધર ફોરકાસ્ટને કઈ રીતે ઉપયોગમાં લેવું એના વિશે માહિતી આપી હતી આ ઉપરાંત ફાલ્ગુનીબેન મહાકાળ વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા આરોગ્યપ્રદ ખોરાક અને સ્વસ્થ જીવનશૈલી વિશે માહિતી આપી. સાથે-સાથે ટામેટામાંથી કેચપ બનાવવાની વિધિ શીખવાડવામાં આવી હતી. તાલીમના બીજા દિવસે ફાલ્ગુનીબેન દ્વારા મહિલાઓને બહારનો ભેળસેળ યુક્ત ખોરાક ખરીદવાને બદલે આપણા ઘરમાં જ આરોગ્યપ્રદ વાનગી બનાવવાનો આગ્રહ રાખવાની સમજણ આપવામાં આવી, જેના ભાગ રૂપે અન્નાનસમાંથી જામ તૈયાર કરવાની સરળ રીત શીખવવામાં આવી હતી.
આ બે દિવસના કાર્યક્રમમાં ૨૮ થી વધારે વઘઇ તાલુકાની બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.