એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી

Contact News Publisher

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં ચાલી રહેલી સુઓમોટો સુનાવણીમાં કોર્ટે નિમેલી ટાસ્ક ફોર્સે આજે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર 10 ટકા જેટલું સુવેજ જ ટ્રીટમેન્ટ  થઈને નદીમાં ઠલવાઇ રહ્યું છે. મનપાએ ટ્રીટમેન્ટનું મોનીટરીંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટર ઉપર છોડ્યું છે, જે અનપ્રોફેશનલી કામ કરી રહ્યા છે. GPCBના ઈજનેર અધિકારીઓ પણ વ્યવસ્થિત તપાસ કરવાને બદલે માત્ર આઉટ લેટમાંથી સેમ્પલ લે છે અને કામગીરી પૂર્ણ કરે છે. કોર્ટે આ મામલે મનપા અને GPCBની ઝાટકણી કાઢી હતી.

કોર્ટમિત્રએ કોર્ટમાં શું રજૂઆત કરી?

કોર્ટમિત્ર હેમાંગ શાહે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટાસ્ક ફોર્સે ઘણા સ્થળોએથી સેમ્પલ લીધા છે. જેના રિપોર્ટ આવવાના હજી બાકી છે. તપાસ દરમિયાન રિપોર્ટમાં એવા આંકડાઓ અમારી સમક્ષ આવ્યા જે પ્રેક્ટિકલી શક્ય જ નથી. ડેટા મેનેજમેન્ટ કરવામાં ઘોર બેદરકારી જોવા મળી હતી. કોઈ પણ જાતની મોનીટરીંગ કરવામાં નથી આવી રહી. અમારે શું લખવું એ વિચારવામાં બે દિવસ લાગ્યા. ટાસ્ક ફોર્સના રિપોર્ટ અંગે જણાવતા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્થિતિ એટલી હદે ખરાબ છે કે અમારે રિપોર્ટમાં શું લખવું, બે દિવસ તો તેની ગુંચવણ રહી. કોન્ટ્રાક્ટર કઈ રીતે કામ કરે છે તેની ઉપર કોઈ નજર રાખતું નથી.

રિપોર્ટમાં માહિતીનું પુનરાવતર્ન

તેમણે જણાવ્યું કે, STPમાંથી નીકળતા પાણીના રિપોર્ટ તપાસ કરતા રિપોર્ટમાં એક જ માહિતીનું પુનરાવતર્ન થયું છે. કોઈ રિપોર્ટમાં આંકડો 135 હોય તો બધા રિપોર્ટમાં તેજ આંકડો જોવા મળ્યો. અમે આ મુદ્દે સવાલ કર્યો તો તેનો જવાબ પણ કોઈની પાસે નહોતો. કોન્ટ્રાક્ટરની મુલાકાત કરી તો તેમની પાસે કેમિકલસ પણ નહોતા. લેબોરેટરીમાં અનપ્રોફેશન વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. જે કોન્ટ્રાકટ કંપનીને કામ સોંપાયું છે તે પણ અનપ્રોફેશન છે.

આવા અધિકારીને અમે સસ્પેન્ડ કરીશું? – હાઈકોર્ટ

કોર્ટમિત્રની રજૂઆત સાંભળી કોર્ટે નોંધ્યું હતું કે આવા અધિકારીઓને અમે સસ્પેન્ડ કરીશું? કોર્ટે પૂછ્યું હતું કે ગેરકાયદે જોડાણોને ઓળખવા માટે કઈ વ્યવસ્થા છે? તેને કઈ રીતે દૂર કરી શકાય? શું મનપા આવા કનેક્શન શોધી શકે છે? કોર્ટે મનપાને હુકમ કર્યો હતો કે શહેરમાં ચાલતી સુવેજ વોટર અને એફલુઅન્ટ વોટર ટ્રીટમેન્ટ માટેની કેટલી લેબોરેટરી છે? તે ક્યાં આવી છે? કેટલી લેબ છે? તેના હેડ કોણ છે? ત્યાં કામ કરનારા લોકો કેટલા છે? અને ટેક્નિશિયન કેટલા છે? તેનો જવાબ રજૂ કરે. વધુમાં કોર્ટ આ મુદ્દે ટૂંક જ સમયમાં મહત્વનો હુકમ કરશે.

એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે

કોર્ટે ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, તમે કેમ ડરેલા લાગો છો? શું તમારી પાછળ કોઈ એવો ફોર્સ છે જે તમને ડરાવે છે? શું ભવિષ્યમાં કઇ થઈ શકે છે? જો થવાનું હોય તો થવા દો. દેશવાસીઓ માટે, દેશ માટે આવી ચિંતા છોડી દેવાની. પ્રામાણિકતાથી કહો કે હાઇકોર્ટે સુઓમોટો લીધી ત્યારબાદ એક પણ વિકાસાત્મક કામગીરી કરવામાં આવી છે ખરી? અમે તમારી પાસેથી અપેક્ષા રાખીયે છીએ કે તમામ STP ધારાધોરણો મુજબ જ કામ કરે. તમામ સમસ્યાના મૂળમાં કોઈનું જવાબદાર ન હોવું છે.

કોઈની પણ જવાબદારી જ નક્કી નથી

કોર્ટે નોંધ્યું હતું કે આજની આ સમસ્યાનું મૂળ એ જ છે કે કોઈની પણ જવાબદારી જ નક્કી નથી. તમામ લોકો પોતાની રીતે કામ કરી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા પણ તૈયાર નથી. શું આપણે આવા લોકો સામે પગલાં ન લઇ શકીએ? શું આપણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ ન કરી શકીએ? આપણે જવાબદારી લેવી જોઈએ. અમે મનપા કમિશ્નરને કહીએ છીએ કે તેઓ તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરે. આ મુદ્દે 3જી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *