ભારત-પાક. મેચના વિરોધમાં હવે ઓવૈસીએ પણ ઝૂકાવ્યું
કાશ્મીરમાં સૈનિકો શહીદ થઇ રહ્યા છે અને નિર્દોષોની હત્યા થઇ રહી છે ત્યારે મોદીનું મૌન અકળાવનારું
એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આગામી 24 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં દેશના 9 સૈનિક શહીદ થયા છે અને 24મી તારીખે ભારત-પાકિસ્તાન ટી-20 મેચ યોજાશે. તેમણે કહ્યું હતું કે શું મોદીએ નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે, પરંતુ હવે જ્યારે 9 સૈનિક શહીદ થઈ ગયા તોપણ તમે ટી-20 રમશો. ગિરિરાજ સિંહ, તારકિશોર પ્રસાદ બાદ હવે AIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ભારત-પાકિસ્તાન મેચ સામે વિરોધ કર્યો છે.
ઓવૈસીએ કહ્યું હતું કે ઙખ નરેન્દ્ર મોદી હંમેશાં ચીન પર બોલતા ડરે છે. ત્યાં સુધી કે તેઓ ચામાં પણ ચીની (ખાંડ) નથી નાખતા, ક્યાંક ચીન ગળી ન જાય. ઓવૈસી કાશ્મીરમાં બહારના લોકોની હત્યા બાબતે અને ચીનની ઘૂસણખોરીની ઘટનાઓ પર મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું- “પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં લોકો સાથે ટી-20 રમી રહ્યું છે. બિહારના ગરીબ શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે. લોકોની લક્ષિત હત્યા થઈ રહી છે. આવી સ્થિતિમાં, ગુપ્તચર બ્યુરો અને અમિત શાહ શું કરી રહ્યા છે? કાશ્મીરમાં હથિયારો આવી રહ્યાં છે અને તમે મેચ રમશો. પાકિસ્તાનથી
આતંકવાદીઓ અહીં આવી રહ્યા છે. તમે એલઓસી પર એવું યુદ્ધવિરામ કર્યું કે હવે ડ્રોનથી હથિયારો આવે છે. કલમ 370 હટાવતી વખતે તમે કહ્યું હતું કે કાશ્મીરમાંથી આતંકવાદ સમાપ્ત થયો છે. કશું સમાપ્ત થયું નથી. કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે મોદી સરકારની નિષ્ફળતા છે.
જણાવી દઈએ કે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓએ 13 નાગરિકને નિશાન બનાવ્યા છે, જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે.
ઓવૈસીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી બે બાબત પર વાત કરતા ડરે છે. એક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને બીજી ચીન. ચીન આપણી સરહદમાં ઘૂસી ગયું છે, પણ મોદીજી એ વિશે કશું કહેતા નથી. એવું લાગે છે કે મોદીજી ચીનથી ડરે છે. જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું, પણ હવે ચીન આપણા ઘરમાં ઘૂસીને બેઠું છે ત્યારે મોદીજી કંઈ કરતા નથી.