રાજયના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ૨૮મીથી રાજયભરમાં રીપોર્ટીંગ સીસ્ટમ ઠપ્પ કરવા આદેશ

Contact News Publisher

આરોગ્ય મહાસંઘ દ્રારા તાપીના પદમડુંગરી ખાતે યોજાયેલ એકશન પ્લાન મીટીંગમાં આંદોલનના કાર્યક્રમો જાહેર થયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજયના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પશ્નો મુદ્દે ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન ૧૩ દિવસની સફળ હડતાળ પછી તા . 27/2/19ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના અધ્યક્ષપણા હેઠળ સમાધાન બેઠકમાં ૧ થી ૧૩ જેટલા નાંણાકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટુંક સમયમાં તબકકાવાર નિરાકરણ લાવી આપવા સરકારશ્રી તરફથી લેખિત બાંહેદરી આપી હતી . તે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ૧ થી ૧૩ પડતર પ્રશ્નોની દરખાસ્ત નાણા વિભાગને રજુ કરી હતી પરંતુ રજુ કરેલ દરખાસ્ત નાણા વિભાગે અસ્વીકાર કરી કોઈ પણ કારણ આપ્યા વગર બે વખત તા . ૮ / ૫ / ૨૦૧૯ , ૧૦ / ૫ / ૨૦૧૯ , ૧૪ / ૫ / ૨૦૧૯ની તારીખોએ પરત કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓમાં સરકારે કરેલ છેતરપિંડીથી રાજય ભરમાં આક્રોશ સાથે રોષ ભભુકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે .
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા મહામંત્રી વી . પી . જાડેજા અને મુખ્ય કન્વીનર સરેશ ગામીતની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આંદોલન સમયે થયેલા સમાધાન મુજબ એક પણ પ્રશ્નનો નિકાલ ના આવતા ફરીથી સરકારમાં લેખિત , મૌખિક અને વારંવારની રજુઆતોમાં સરકારે નન્નો ભણી દેતા તા . 24/11/19ના રોજ તાપી જિલ્લાના પદમડુંગરી ગામે ૩૩ જિલ્લાના હોદ્દેદારો , પ્રતિનિધિઓ વચ્ચે મહાસંઘના મુખ્ય કન્વીનર સુરેશ ગામીતે આંદોલન અંગેના કાર્યક્રમો જાહેર કર્યા હતા જેને તમામ હોદ્દેદારોએ “ આર પાર ” ની લડાઈ લડી લેવા નેમ વ્યકત કરી હતી . જાહેર થયેલા આંદોલનના કાર્યક્રમો મુજબ ( ૧ ) તા. 28/11/19ના રોજથી તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવશે પરંતુ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીપોર્ટ વડી કચેરીએ આપશે નહિ ( ૨ ) તા. 9/12/19ના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકોએ એક દિવસના ધરણા , રેલી , કરી સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે સુત્રોચ્ચાર અને દેખાવો કરશે ( ૩ ) તા. 17/12/19ના રોજ આરોગ્ય કમિશ્નરની કચેરીએ જિલ્લાના કર્મચારીઓ સામુહિક રજુઆત કરવા જશે તેમ છતાં કોઈ નિવેડો ના આવે તો ત્યાર બાદ ( ૪ ) અન્ય ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે .જે કાર્યક્રમો નીચે મુજબ છે.
( ૧ ) ( A ) તા . ૨૮ / ૧૧ / ૨૦૧૯ના રોજથી જોબ ચાર્ટને લગતા વર્કલોડ તથા અન્ય તમામ કામગીરીઓ કરવી પરંતુ તે અંગેની માહિતી , રિપોર્ટ જયાં સુધી આંદોલન સમાપ્ત ન થાય ત્યાં સુધી આપવા નહિ . ( B ) સબસેન્ટર , પ્રા . આ . કેન્દ્રો , તાલુકા હેલ્થ કચેરી , જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા તમામ કેડરના તમામ પ્રકારના ઓનલાઈન અને ઓફ લાઈન રીપોટીંગ સંપૂર્ણ બંધ કરવા . ( C ) તમામ કેડરના ડેઈલી , વીકલી અને મંથલી કોઈપણ રિપોર્ટ કરવા નહિ . ( D ) મ . પ . હે . વ . અને ફિમેલ હેલ્થ વર્કરનો ટેકો મોબાઈલ ત્રણ દિવસ લોગ આઉટ કરી સ્વીચ ઓફ કરી દેવા અને ત્યાર બાદ તા . ૧ / ૧૨ / ૨૦૧૯ના રોજથી તાલુકા આરોગ્ય કચેરીએ જમા કરાવી દેવા . ( E ) ફાર્માસીસ્ટને લાગુ પડતા તમામ ડેઈલી , મંથલી , વીકલી તમામ રીપોર્ટ તથા ઓન લાઈન કામગીરી જેવી કે ઈ – ઔષધી , ઈ – વીન એફ . પી . એલ . એમ . આઈ . એસ . બંધ કરી ઈ – વીન મોબાઈલ મેડીકલ ઓફિસરને જમા કરાવવા . ( F ) એલ . ટી . ની એલ . આઈ . એસ . કામગીરી તથા અન્ય ઓનલાઈન કામગીરી બંધ કરવી . ( G ) સ્ટાફ નર્સને લગતી રિપોર્ટીગ કામગીરી સંપૂર્ણ બંધ કરવી . ( H ) ડેટા ઓપરેટરને કોઈપણ લેખિત કે મૌખિક માહિતી આપવી નહિ . ( ૨ ) તા . ૯ / ૧૨ / ૨૦૧૯ના રોજ સામુહિક સી . એલ. મુકી જિલ્લા કક્ષાએ રેલી અને એક દિવસના ધરણા કરવા . ( ૩ ) તા . ૧૭ / ૧૨ / ૨૦૧૯ના રોજ આરોગ્ય કમિશ્નર કચેરી ડો . જીવરાજ મહેતા ભવન જૂના સચિવાલય ગાંધીનગર ખાતે સામુહિક રજુઆત અને સુત્રોચ્ચાર . ( ૪ ) જરૂરિયાત પડયે અન્ય જલદ આંદોલનનાં કાર્યક્રમો જાહેર કરવામાં આવશે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *