સોનગઢમાં વિદ્યાર્થીઓએ રેલી દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા
- સ્વ સહાય જુથોની બહેનો સાથે સ્વચ્છતા સંદર્ભે બેઠકનું આયોજન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: તાપી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલા વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા સ્વચ્છતાલક્ષી જનઆંદોલનમાં પ્રજાજનોની ભાગીદારી જોવા મળી રહી છે. સ્વચ્છતાના આ ઝૂંબેશને વધુ વેગવંતુ બનાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં સોનગઢ તાલુકાના સિસોર ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાળવી રાખવા, કચરો ગમે ત્યાં ન ફેંકવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રેલી યોજવામાં આવી હતી. જેમાં શિક્ષકો તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તાલુકા કક્ષાના કર્મચારીઓએ ભાગલઇ ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે સુત્રોચાર દ્વારા માહિતી આપી હતી. આ પ્રકારની સ્વચ્છતાલક્ષી રેલીનું આયોજન તમામ તાલુકાઓમાં કરવામાં આવ્યુ હતુ. રેલી બાદ ગામની સ્વસહાય જૂથોની બહેનો સાથે બેઠકનું આયોજન કરી સ્વચ્છતાલક્ષી તમામ પ્રવૃત્તિઓ પર ધ્યાન દોરી જિલ્લાના તમામ ઘરો, ગામો, શેરીઓમાં ગંદકી દુર થાય તે માટે બહેનોને માહિતી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦