વ્યારા ખાતે સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન વિષય અંગે સેમિનાર યોજાયો

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૦૨: કાયદા અને ગૃહ વિભાગ, ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન, ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલ અને પોલીસ અધિક્ષક તાપીના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સેવા સદનના સભાખંડમાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એસ.વી.વ્યાસના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની વિશેષ ઉપસ્થિતીમાં સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એસ.વી.વ્યાસ દ્વારા પોલીસ તપાસ દરમિયાન ભુલો થતી અટકાવવા કાયદાની સમજ, સાચો ન્યાય થાય અને કોઇ ખામી ન રહી જાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે તથા ધરપકડ સમયે ઘ્યાનમાં રાખવાની બાબતો, કામનું ભારણ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
પ્રિન્સીપલ સીવીલ જજ એ.એસ. પાંડે ઉપસ્થિત સૌ પોલીસ અધિકારીઓને તપાસની સાચી દિશા અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે, કાનુની પાસાઓ અને તેમાં થતી નાની ભુલોના પરિણામે ક્યારેક સાચો ન્યાય મળતા ચૂકી જવાય છે, ક્રોસ કેસ દરમિયાન ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ધ્યાનમાં રાખવાની બાબતો, ગુનાની જાણ થતા ત્વરીત લેવાના પગલા, ધરપકડના નિયમો અંગે કોર્ટના ચુકાદાઓના ઉદાહરણો દ્વારા વિગતવાર સમજણ આપી હતી. તેમણે પોલીસનો ડર નહી પરંતુ પોલીસનો વિશ્વાસ લોકોમા કઇ રીતે વધારી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે છેવાડાના માનવીને કાયદાકીય જ્ઞાન મળે તે માટે જિલ્લા/ રાજ્ય/રાષ્ટ્ર કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગ્રામ્યકક્ષાએ સેમિનાર/કેમ્પનું આયોજન કરી લોકો સુધી કાનુની સેવા પહોંચાડવા કટિબધ્ધતા વ્યકત કરી હતી.
સેમિનારમાં તાજપોર કોલેજના પ્રોફેસર નરેન્દ્ર જગતાપ દ્વારા સાયબર ક્રાઇમ અંગે, હેકીંગ, એથીકલ હેકીંગ, માલવેર લીંક, ડીજીટલ એવીડન્સનો કેવી રીતે ઉપયોગ કરવો, તેનો સંગ્રહ અને તે બાબતે ધ્યાનમાં રાખવાની તકેદારી અંગે વિશેષ જાણકારી આપી હતી.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, એ.કે.પટેલ, ડી.જી.પી એસ.બી.પંચોલી, સરકારી વકીલો તથા પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યું હતું.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other