તાપી : ગાંધી જયંતિના શુભ દિને તાપી પ્રેસ ક્લબની સ્થાપના કરવામાં આવી
-તંત્રના સંકલનથી પ્રજાલક્ષી કાર્યો કરવા પત્રકારોએ સંકલ્પ કર્યો.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી જિલ્લાના પત્રકારોએ ભેગા થઈ આપી પરિષદની સ્થાપના કરી, જેમાં પત્રકારોની દરેક સમસ્યાના સમાધાન સાથે પ્રશાસન તંત્ર સાથે સંકલન કરી પ્રજાલક્ષી કાર્યો કરવાના સંકલ્પ લેવાયા. મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારોએ પ્રજા અને તંત્ર વચ્ચે કડીરૂપ બની માહિતી પહોચાડવા સંકલ્પ કર્યો હતો.
પત્રકારએ દેશની ચોથી જાગીર કહેવાય છે સમાજમાં થઈ રહેલા દરેક ઘટનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવી, સરકારી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી જાહેર જનતા સુધી પહોંચાડવી. અને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવા ની સાથે સમાજમાં જ્યારે પણ કોઈ કાયદા વિરુદ્ધ કામ થઇ રહ્યું હોય ત્યારે તંત્રને તે તરફ ધ્યાન દોરવા નું કામ પત્રકારો કરતા હોય છે. પત્રકારો અનેક ઘટનાનું કવરેજ કરવા પોતાના જીવના જોખમે પણ માહિતી ભેગી કરે છે અને સત્યને ઉજાગર કરે છે. ત્યારે પત્રકારોના હિતને ધ્યાનમાં રાખી આજરોજ તાપી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે, તાપી જિલ્લા ના પત્રકારોના હિતમાં તાપી પ્રેસ ક્લબની સ્થાપના કરવામાં આવી જેમાં લોકશાહી ઢબે ચૂંટણી દ્વારા નવા હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા,જેમાં તાપી જિલ્લા પ્રમુખ તરીકે રાકેશ ભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે ધર્મેશ વાણી, મહામંત્રી તરીકે બિંદેશ્વરી શાહ ચૂંટાઈ આવ્યા હતા. ખજાનચી તરીકે સુનિલ ભાઈ ગામીત ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ બધા પત્રકારો ભેગા મળી આવનારા દિવસોમાં તાપી પ્રેસ ક્લબ દ્વારા સ્થાનિક પ્રશાસન તંત્ર સાથે મળી તાપી જિલ્લામાં પત્રકારો અને જાહેર જનતાના હિતમાં નિર્ણય લેવાનો સર્વ પત્રકારોએ સંકલ્પ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે પત્રકાર એકતા સંગઠન જ્યારે સંગઠન કરતા વ્યક્તિને વધુ મહત્ત્વ આપી રહ્યું છે તેના કારણે તાપી જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનથી છેડો ફાડી તાપી જિલ્લાના પત્રકારોએ તાપી પ્રેસ ક્લબની સ્થાપના કરી છે. જેના દ્વારા આવનાર સમયમાં પત્રકારોને પ્રશ્નોને વાચા આપવા અને પ્રજાના હિતમાં કાર્ય કરવા ઉપસ્થિત પત્રકારોએ કટિબદ્ધતા બતાવી હતી.